હા, એકવીસમી સદીમાં ફૂટપાથ બન્યા છે મલ્ટીપર્પઝ મૉલ

શોર્ટ ફિલ્મ ‘ફૂટપાથ : અ મલ્ટીપર્પઝ મૉલ’ ફિલ્મને પ્રજાસત્તાક દિને રિલીઝ કરવામાં આવી છે

પાલિકાની રચના થયા બાદ પ્રશાસને ફૂટપાથ બનાવવાની શરૂઆત કરી. કારણ, નાગરિકો સુરક્ષિત રીતે આવનજાવન કરી શકે. આ એ સમયની વાત છે જ્યારે મોટરગાડી કરતા બળદગાડા અને ઘોડાગાડી વધારે દોડતી હતી. અકસ્માતની શક્યતા નહીંવત હોવા છતાં પાલિકા પ્રશાસને ફૂટપાથ બનાવ્યા. પરંતુ કાળક્રમે ફૂટપાથની વ્યાખ્યા બદલાતી ગઈ. અને આજે રાહદારીઓ માટેના ફૂટપાથ બની ગયા છે મલ્ટીપર્પઝ મૉલ. કેવી રીતે આ પરિવર્તન આવ્યું એ દર્શાવે છે પી. સી. કાપડિયા દ્વારા નિર્મિત શોર્ટ ફિલ્મ ‘ફૂટપાથ : અ મલ્ટીપર્પઝ મૉલ.’ ફિલ્મને પ્રજાસત્તાક દિને રિલીઝ કરવામાં આવી છે.

ફૂટપાથ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો પ્રશ્નના જવાબમાં પી. સી. કાપડિયા જણાવે છે કે, નાગરિકોની સુવિધા માટે બનાવેલા ફૂટપાથ જ તેમની મુસીબતોનું કારણ બને એના જેવી વિડંબના બીજી કઈ હોઈ શકે. ફૂટપાથ હોવા છતાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તા પર જીવના જોખમે ચાલવાની ફરજ પડે છે. એમાં પણ અકસ્માતના એક કેસમાં મૃતક ફૂટપાથને બદલે રસ્તા પર ચાલતો હોવાનું જણાવી વળતરની રકમમાંથી પચીસ ટકા કાપી લેવાનો ચુકાદો આપ્યો ત્યારે ભારે આઘાતની લાગણી અનુભવી. ફૂટપાથ જો ફેરિયાઓથી ભરેલી હોય, ચાલવાની જગ્યા ન હોવાથી મજબૂરીમાં રસ્તે ચાલવાની ફરજ પડે અને અકસ્માતમાં જીવ ગુમાવે તો એની સજા પણ નાગરિકે ભોગવવાની? આ તે કેવો ન્યાય? આ ઘટના બાદ ફૂટપાથ પર કંઇક બનાવવાનો વિચાર મનમાં આવ્યો. પત્રકાર હોવાથી પહેલાં લેખ લખવાનું વિચાર્યું. પણ પાછળથી શોર્ટ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું.

મેં ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારે મારી પાસે કોઈ નિર્માત નહોતા કે કોઈ બજેટ પણ નહોતું. હકીકતમાં ફાઇનાન્સ માટે કોઈનો સંપર્ક પણ કર્યો નહોતો. મુંબઈ, મીરા-ભાયંદરના અનેક વિસ્તારોમાં ચાર દિવસ ફરીને મેં મોબાઇલથી ફિલ્મ શૂટ કરી. મારા મિત્ર અને અભિનેતા હિતેશ ઉપાધ્યાયે એનો અવાજ આપ્યો. તો બ્રો સ્ટુડિયોના સર્વેસર્વા પ્રણય પાટિલે ફિલ્મ એડિટ કરવાની જવાબદારી ઉપાડી લીધી. ફિલ્મ બની રહી હતી એ સમયગાળા દરમિયાન મીરા-ભાયંદરના પૂર્વ નગરસેવક ચંદ્રકાંત મોદી ઉપરાંત ફિલ્મ પ્રચારક અબ્દુલ કદીર અને મરાઠી પત્રકાર નીલેશ ખંદારેએ પૂરો સહયોગ આપ્યો હતો.

શોર્ટ-ફિલ્મનું સ્ક્રીનિંગ વડોદરાની સિગ્મા યુનિવર્સિટી દ્વારા શાઇનિંગ સ્ટાર પર્ફોર્મિંગ ઍકેડેમી અને લાયન ક્લબ ઑફ બરોડા હની દ્વારા આયોજિત શોર્ટ ફિલ્મ કૉમ્પિટિશનમાં પણ કરવામાં આવશે. ઉપરાંત ફિલ્મને મેન્ટોર એન્ડ માસ્કોટ ઇન્ડિયન ફિલ્મ ફેડરેશન દ્વારા આયોજિત ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં પણ મોકલવામાં આવી છે.

ફિલ્મ જોવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://youtu.be/LmynYnRNyh8

 

Exit mobile version