ગામડાંની લાડી અને શહેરના વરના ઉપહાસનું કથાનક આપણે અનેક નાટકોમાં જોયું છે. પણ જ્યારે આ સમીકરણ બદલાય અને શહેરની લાડી અને ગામડાંનો વર વાર્તાના કેન્દ્રમાં આવે ત્યારે એમાં કંઇક નવીનતા હોવાનો અહેસાસ ગર્શકોને થાય. આવી જ એક હળવી, હસાવતી અને રોમેન્ટિક કૉમેડી લઈને આવ્યું છે ઋતુ ઓઝા પ્રોડક્શનન્સનું નાટક વર વાયા વિરમગામ.
ઉલ્ટું સમીકરણ, નવી મજા
નાટકના લેખન-દિગ્દર્શન અને અભિનય જેવી ત્રિવિધ જવાબદારી કમલેશ ઓઝાએ સંભાળી છે. વિરમગામનો ગોપાલ પહેલીવાર મુંબઈ આવે છે… બાળપણની બહેનપણી સાથે પરણવાના સપના લઈને. પરંતુ મૉડર્ન વિચારો ધરાવતી યુવતીને ગોપાલનું ગામડિયું વર્તન પસંદ નથી, અને અહીંથી શરૂ થાય છે રોમાન્સ અને રમૂજની ધમાલ.

જૉક વગરની કૉમેડી
વર વાયા વિરમગામ નાટકની ખાસિયત એ છે કે અહીં એક પણ તૈયાર જૉક નથી. પરિસ્થિતિઓમાંથી જન્મતી રમૂજ, પાત્રોની ટાઈમિંગ અને સતત ચાલતી તડાફડી દર્શકોને એક પળ માટે પણ બોર થવા દેતી નથી. સ્માઈલ સાથે આવો અને લાફ્ટર સાથે પાછા જાવ… વિચારને જીવંત કરતું આઉટ ઍન્ડ આઉટ કૉમેડી નાટક છે.

પાત્રો, સંગીત અને અભિનય
મુખ્ય પાત્રમાં કમલેશ ઓઝા સાથે અમિતા રાજડા, મનીષ શેઠ, નિહારિકા રાજગુરુ, યોહાના વાચ્છાની, માધવી પટેલ, કેતન ત્રિવેદી, કમલેશ શાહ, અમિતા રાજડા અને યશ ગજ્જર જેવા કલાકારો નાટકને એક અનેરી ઊંચાઈ પર લઈ જાય છે. નાટકના ડાયલોગ્સ દર્શકોને મોજ કરાવી જાય છે. ખાસ કરીને કમલેશ ઓઝાનો દર્શકો સાથેનો સીધો સંવાદ નાટકને ઓર મજેદાર બનાવે છે. તો ડૉ. વિધુર ગોટાવાલાએ લખેલું ટાઈટલ સૉન્ગ નાટકની હાઈલાઇટ બની રહે છે. અભિનયની વાત કરીએ તો કમલેશ ઓઝા જબરજસ્ત. તો નિહારિકા રાજગુરુ અને યોહાના વાચ્છાનીએ તેમના પાત્ર બખૂબી નિભાવ્યા છે. જ્યારે પિતાની ભૂમિકામાં મનીષ શેઠ પ્રભાવશાળી લાગે છે. તો અન્ય કલાકારો પણ તેમના પાત્રને ન્યાય આપ્યો છે
હળવાશભર્યો સંદેશ
પ્રેમ, તત્ત્વ અને રમૂજ—ત્રણેને સાથે લઈને ચાલતું વર વાયા વિરમગામ કહે છે કે થોડી હળવાશ રાખો, સમયનો આનંદ લો અને ખુશખુશાલ બનીને ઘરે જાઓ. એક મસ્ત સાંજ માટે આ નાટક ચોક્કસ વરદાન સમાન છે.
જો ફિલ્મના રિવ્યુની જેમ સ્ટાર આપવા હોય તો વર વાયા વિરમગામને ત્રણ સ્ટાર આપી શકાય.









