તાજેતરમાં સોશિયલ મીડિયા પર એસ ન્યુઝ વાચવા મળ્યા… કાશ્મીરી પંડિતોની વ્યથા, દર્દ, અને સહન કરેલા પારાવાર દુખોની કથની કહેતી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ જોવા દેશભરના દર્શકો વહેલી સવારનો શો હોય કે મોડી રાતનો, ફિલ્મ જોવાનો મોકો ચૂકતા નથી. દુર્ભાગ્યે ભારતમાં બનેલી આવી ભયાનક ઘટનાની સાચી જાણકારી બત્રીસ વરસ વીતવા છતાં મળી નહોતી. જોકે વિવેક અગ્નિહોત્રીએ આ વિષય પર પૂરૂં સંશોધન કર્યા બાદ ફિલ્મ બનાવી અને એને દર્શકો તરફથી જબરજસ્ત આવકાર મળી રહ્યો છે. ગુજરાતમાં વધુમાં વધુ લોકો ફિલ્મ જોવા જાય એ માટે અનેક ઑફર ચાના ગલ્લાવાળાથી લઈ વેપારીઓ, રાજકીય નેતાઓ કરી રહ્યા છે. તો ફિલ્મ નિર્માતા પણ એમાં પાછળ નથી. તાજેતરમાં રિલીઝ થયેલી અને થિયેટરમાં ધૂમ મચાવી રહેલી ગુજરાતી ફિલ્મ પ્રેમ પ્રકરણના નિર્માતાઓએ કાશ્મીર ફાઇલ્સને વધુ સ્ક્રીન મળી શકે એ માટે ટૂંક સમય માટે ફિલ્મને થિયેટરમાંથી ઉતારી લીધી છે. આ અંગે ફિલ્મના નિર્માતાઓનું શું કહેવું છે એ તેમની પાસે જ જાણીએ…
મારા વ્હાલા ગુજરાતી ભાઈઓ અને બહેનો,
અમને બધા એકજ સવાલ પૂછી રહ્યા છે કે સિનેમા ઘરોમાં ચાલી રહેલી અમારી ફિલ્મ “પ્રેમ પ્રકરણ” કે જેને આપ સહુનો આટલો અનહદ પ્રેમ મળી રહ્યો હતો તે અચાનક પાછી ખેંચી લેવાનો નિર્ણય મેં કેમ લીધો? તો સૌથી પહેલા એક વાત કહેવા માંગુ છું કે, આ પૂર્ણવિરામ નથી પરંતુ અલ્પવિરામ છે, અને ટૂંક સમયમાં અમારા પ્રિય દર્શકો માટે અમે “પ્રેમ પ્રકરણ”ને ફરીથી સિનેમાઘરોમાં લઇને આવશું.
હવે આપ સહુના પ્રશ્નનો જવાબ…
થિયેટર વિઝિટ દરમિયાન અમારી ફિલ્મ જે સ્ક્રીનમાં ચાલી રહી હતી ત્યાં દર્શકોની તાળીઓ અને દર્શકોનો અનહદ પ્રેમ વરસી રહ્યો હતો, હું બહાર ઊભો હતો અને મારી બાજુની સ્ક્રીન પર કાશ્મીર ફાઈલ ચાલી રહી હતી, મેં દરવાજો ખોલી અંદર ડોકિયું કર્યું અને થોડીવાર ત્યાં ઊભો રહ્યો. અને ત્યાં મેં જે કંઈ જોયું, એને કારણે મારૂં હૈયું હચમચી ઊઠ્યું. દર્શકોની આખમાં આંસુ અને કાશ્મીરી પંડિતોની દર્દ ભરી ચીસોએ મને આખી રાત સૂવા ન દીધો. એક ભારતીય તરીકે મારા હૃદયમાં અજંપો ભરાઈ આવ્યો અને એક ફિલ્મ મેકર તરીકે મને વિવેક અગ્નિહોત્રી માટે અનહદ સન્માન થયું, જેમણે વર્ષોથી દબાયેલી કાશ્મિરી પંડિતોની વ્યથાને સિનેમાના માધ્યમથી લોકો સુધી પહોંચાડી. હું મારી જાતને રોકી ન શક્યો અને બીજા દિવસે સવારે જ થિયેટરમાં કાશ્મીર ફાઈલ જોવા પહોંચી ગયો, આગલી રાતનો ઉચાટ અને અજંપો આંસુઓમાં પરિવર્તિત થયો. ખૂબ રડ્યો અને મારું મન હળવું કર્યું, ત્યારબાદ આખો દિવસ મારા મનમાં મનોમંથન ચાલ્યું કે મેં શું જોયું? શું કાશ્મીર ફાઈલ્સ માત્ર એક ફિલ્મ છે?
મને જવાબ મળ્યો “ના”
આ માત્ર એક ફિલ્મ નથી પરંતુ એક ચળવળ છે, અને એમાં હું કઈ રીતે સહભાગી થઇ શકું?
મારા આ પ્રશ્નનો જવાબ મળ્યો, મને આપણા સહુના લાડીલા નરેન્દ્ર મોદી સાહેબના જીવન ઝરમરમાંથી. એક એવી રાજકીય વ્યક્તિ કે જેઓ આજીવન સત્ય માટે, ન્યાય માટે, સમાનતા માટે અને ભૂતકાળમાં આ દેશ સાથે થયેલા ઘોર અન્યાય અને ઐતિહાસિક ભૂલોને સુધારવા માટે લડતા રહ્યા, ઝઝૂમતા રહ્યા. અને ક્યારેય પણ હાર માન્યા વિના હંમેશા હિંમતસભર્યા નિર્ણયો લેતા રહ્યા, અને આજે પણ લઈ રહ્યા છે. મને તેમનામાંથી પ્રેરણા મળી કે આ સમય મારી ફિલ્મ “પ્રેમ પ્રકરણ”ને દર્શકો તરફથી મળી રહેલ પ્રેમ અને આવકારને માણવાનો નથી, પરંતુ કાશ્મીરી પંડિતોની વ્યથામાં ભાગીદાર થવાનો છે.
અને બસ મારા મનમાં બધુજ સાફ થઈ ગયું.
હિંમત આવી ગઈ કે મારી ફિલ્મને હાલ પૂરતી સિનેમાઘરોમાંથી ઉતારી લઈએ તો જે લોકો કાશ્મીર ફાઈલ જોવા માટે રાહ જુએ છે તેમને જગ્યા મળી જશે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આ ચળવળ ભાગીદાર થઇ શકીશ.
અને યાર આપણે ગુજરાતીઓ જો રાષ્ટ્રહીત ખાતર આપણા લોક લાડીલા પ્રધાનમંત્રી મોદી સાહેબને દિલ્હી મોકલી શકતા હોઈએ તો થોડા દિવસ માટે શું આપણી ફિલ્મને સિનેમાઘરોમાંથી ન ઉતારી શકીએ?
મોદી સાહેબે સૌથી પહેલા કાશ્મીરી પંડિતોની પીડા માટે અવાજ બુલંદ કર્યો હતો અને આજે એ અવાજ એક યજ્ઞ બની ચુક્યો છે, તો ચાલો આપણે બધા એના ભાગીદાર બનીએ, કાશ્મીરી પંડિતોની વ્યથાને દુનિયાના ખૂણે-ખૂણે પહોંચાડીએ.
“પ્રેમ પ્રકરણ”ને આપણે થોડા સમય બાદ માણીશું અને ઉજવી પણ લઈશું.
અસ્તુ…
ચંદ્રેશ ભટ્ટ, સંજય ભટ્ટ, વૈશલ શાહ, વંદન શાહ, બીજોય પટેલ
અને સમગ્ર પ્રેમ પ્રકરણ પરિવાર તરફથી
વંદે માતરમ
જય જય ગરવી ગુજરાત
ભારત માતા કી જય