રવિવારે એક સાથે બે ગુજરાતી ફિલ્મો હા હું પટેલ છું અને મહુડીના મહાબલિના મુહૂર્ત

બંને ફિલ્મોના લેખક-દિગ્દર્શકની જવાબદારી મનોજ નથવાણી નિભાવી રહ્યા છે

ગણશ ચતુર્થીની ઉજવણી બાદ ગુજરાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક અનોખો પ્રસંગ રવિવાર, તા 12 સપ્ટેમ્બરે યોજાવાનો છે. નિર્માતા વિજય કિકાણી (નવસારી) ગુજરાતી ફિલ્મ હા હું પટેલ છુંનું મુહૂર્ત કરી રહ્યા છે તો એ સાથે અંકિત મહેતા તેમની ફિલ્મ મહુડીના મહાબલિનું પણ મુહૂર્ત કરી રહ્યા છે. આ બંને ફિલ્મોને જોડતી કડી છે મનોજ નથવાણી. બંને ફિલ્મોના લેખક-દિગ્દર્શકની જવાબદારી મનોજ નથવાણી નિભાવી રહ્યા છે.

સરદાર પટેલના કાર્યો વિશે આપણે કોઈ અજાણ નથી. દેશ આખાને એક તાંતણે બાંધવાનું ભગીરથ કાર્ય કરનાર લોખંડી પુરુષ સરદાર પટેલના ક્યા પાસાંને ફિલ્મમાં આવરી લેવાના છે એ અંગે મનોજ નથવાણી હાલ કંઈ પણ કહેવા તૈયાર નથી. તેમનું કહેવું છે કે ફિલ્મમાં સરદાર પટેલની એવી બાજુ રજૂ કરાશે જે જોઈ દર્શકો આશ્ચર્યચકિત થઈ જશે.

તો મહુડી ધામ વિશે તો દરેકને જાણ છે. ત્યાં આવેલા સર્વ મનોકામના પૂરી કરતા જાગૃત દેવ ઘંટાકર્ણ મહાવીરના સતનો પરચો ઘણાને થયો છે. પણ ફિલ્મમાં અમે મહુડીના મહાબલિની કઈ વાત આલેખશું એ તો સમય આવશે આપને જાણ કરશું એમ ફિલ્મના લેખક-દિગ્દર્શક મનોજ નથવાણીએ ફિલ્મી ઍક્શનને જણાવ્યું હતું.

હેત્વી મૂવીઝ બેનર હેઠળ બની રહેલી હા હું પટેલ છુંના નિર્માતા છે વિજય કાકાણી, સહ નિર્માતા છે હિરેન હરસોડા અને લાલુ ભરવાડ જ્યારે અસોસિયેટ પ્રોડ્યુસર છે શરદ દેસાઈ. ફિલ્મનું સંગીત તૈયાર કરશે પંકજ ભટ્ટ.

જ્યારે મહુડીના મહાબલિનું નિર્માણ એમકે પ્રોડક્શનના બેનર હેઠળ નિર્માતા અંકિત મહેતા કરી રહ્યા છે. આ ફિલ્મનું સંગીત પણ પંકજ ભટ્ટ આપી રહ્યા છે.

બંને ફિલ્મોના નિર્માતાઓ અને સમગ્ર ટીમને ફિલ્મી ઍક્શનની હાર્દિક શુભેચ્છાઓ.

Exit mobile version