હરણ શિકાર કેસની સુનાવણી રાજસ્થાન હાઇકોર્ટ કરશે
કાળા હરણ મામલે સલમાન ખાને રાજસ્થાન હાઇકોર્ટમાં ઉપસ્થિત રહેવું પડશે. રાજસ્થાન હાઇકોર્ટે 27 વરસ જૂના કેસની સુનાવણીની નવી તારીખ જાહેર કરી છે. આ મામલે હવે 28 જુલાઈના સલમાન ખાન ઉપરાંત સૈફ અલી ખાન, તબુ, નીલમ સાથે સંકળાયેલી અપીલ પર સુનાવણી થશે.
રાજસ્થાન હાઇકોર્ટે વર્ષ 1998માં કાળા હરણના શિકાર મામલે શુક્રવારે આ આદેશ જારી કર્યો હતો. લગભગ 27 વરસ જૂના આ કેસ મામલે હવે 28 જુલાઈએ સુનાવણી હાથ ધરાશે.
રાજસ્થાન હાઇકોર્ટમાં શુક્રવારે હરણ શિકાર કેસ મામલે બિશ્નોઈ સમાજ અનમે સરકાર ની અપીલ પર સુનાવણી કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી હાઇકોર્ટના જસ્ટિસ મનોજ ગર્ગે કરી હતી. સુનાવણી દરમિયાન સલમાન ખાન સાથે સંકળાયેલા તમામ કેસને એક સાથે સૂચીબદ્ધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. એ સાથે કેસની વધુ સુનાવણી 28 જુલાઈના હાથ ધરાશે.
હાઇકોર્ટે જણાવ્યું કે સલમાન ખાન સહિત સંકળાયેલા તમામ બૉલિવુડ કલાકારોની અપીલ પર જુલાઈની ૨૮ તારીખે સુનાવણી કરાશે. જેમાં સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, નીલમ અને તબુને મુક્ત કરવા સામે રાજ્ય સરકારની તથા સલમાન ખાનના કન્વિકશન વિરુદ્ધની અપીલ સામેલ છે.
સલમાન ખાનને પાંચ વર્ષની જેલની સજા કરાઈ હતી. આ કેસ ૧૯૯૮માં હમ સાથ સાથ હૈ ફિલ્મના શૂટિંગ દરમિયાન જોધપુર પાસેના કાંકણી ગામમાં બે કાળા હરણના કથિત શિકાર અંગેનો છે. પાંચ એપ્રિલ, ૨૦૧૮ના સબ – ઓર્ડિનેટ કોર્ટે દોષી જણાવી સલમાન ખાનને પાંચ વરસની કેદની સજા સંભળાવી હતી. જ્યારે સહ આરોપી કલાકારો અને એક સ્થાનિક દુષ્યંત સિંહને આરોપ મુક્ત કર્યા હતાં.