ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને દર્શાવે છે “હાલોને મારા ગામડે”

નીલમ પંચાલ-અખિલ કોટક-હર્ષલ માંકડ અભિનીત અને મયૂર ચૌહાણે ગાયેલું ગીત ગ્રામ્ય સંસ્કૃતિની ફોરમ ફેલાવી રહ્યું છે

આજે જ્યારે શહેરીકરણ માઝા મુકી રહ્યું છે, લોકો ગામડાં છોડી શહેર તરફ દોટ મુકી રહ્યા છે ત્યારે ગ્રામ્ય જીવનનો મહિમા, ગામડાની સંસ્કૃતિ જેવી અનેક બાબતોથી શહેરમાં વસતું યુવાધન અજાણ છે. ગામડાની ભાતીગળ જિંદગીની જે મોજ છે, જ્યાં રહેવાથી હૈયાને ટાઢક મળે છે, પારકા પણ પોતીકાની જેમ આવકારતા હોય અને જ્યાં માટીની સુગંધ દિલને તરબતર કરતી હોય એવા ગામડાની યાદ તાજી કરાવતું મયૂર ચૌહાણ (ગુજરાતના અવ્વલ ગાયક હેમંત ચૌહાણના પુત્ર)નું નવું ગીત હાલોને મારા ગામડે તાજેતરમાં યુ-ટ્યુબ ચૅનલ પર રિલીઝ થયું છે.

મયૂર ચૌહાણના અવાજની મીઠાશ સાથે હેલ્લારો અને 21મું ટિફિન ફૅમ નીલમ પંચાલ, અખિલ કોટક અને હર્ષલ માંકડના અભિનયના ઓજસ પાથરતું હાલોને મારા ગામડે જોઈ આધુનિક જિંદગી જીવન જીવવામાં માનતા દેશ-વિદેશમાં વસતા જુવાનિયા પણ ગામ તરફ નજર દોડાવતા થઈ જશે.

ગીતનું ફિલ્માંકન પણ જોનારાની આંખો ઠારે એવા વિશ્વ વિખ્યાત સાસણ ગીર અને બીલખા જેવાં ગામનાં સૌંદર્યને ડીઓપી હરેશ ગોહેલે આબેહૂબ ઝડપ્યું છે. તો નારસિંહ ખેરના શબ્દોની મીઠાશ સમગ્ર ગીતમાં માણવા મળે છે. હેમાંગ સોલંકીએ સ્વરબદ્ધ કરેલું ગીત ઝેન મ્યુઝિક દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે.

હાલોને મારા ગામડે ગીતની એક પંક્તિ છે, વૈકુંઠનો ભગવાન પણ ગામડિયો થઈ જાય છે… જો ઇશ્વરને પણ ગામડામાં વસવાનું મન થઈ જતું હોય એવું વાતાવરણ એક ગામનું હોય તો આપણે પણ એક વાર ગામડે જવું જ જોઇએ. અને જ્યાં સુધી ગામની મુલાકાત ન લઈ શકો ત્યાં સુધી હાલોને મારે ગામડે ગીત જોઈ ગામડાની મહેંકની મોજ માણો.

Exit mobile version