વિપુલ અમૃતલાલ શાહ ફરી લાવ્યા છે સંવેદનશીલ વિષય, ‘ગોઝ બિયૉન્ડ’માં વધુ ઘેરો અને તીવ્ર અભિગમ
2023માં ભારે વિવાદ છતાં વ્યાપક સફળતા બાદ હવે કેરાલા સ્ટોરીની સિક્વલ રૂપે The Kerala Story 2: Goes Beyondનું ઓફિશિયલ ટીઝર રિલીઝ થયું છે. રાષ્ટ્રીય પુરસ્કાર જીતેલી ધ કેરાલા સ્ટોરી બાદ ફિલ્મમેકર વિપુલ અમૃતલાલ શાહ ફરી એકવાર આ સંવેદનશીલ અને ચર્ચાસ્પદ વિષય સાથે દર્શકો સામે આવ્યા છે. 2 મિનિટ 6 સેકન્ડના ટીઝરે રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા અને ફિલ્મ જગતમાં ઉગ્ર ચર્ચા શરૂ કરી દીધી છે. ફિલ્મ 27 ફેબ્રુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

ડર, ગુસ્સો અને પ્રતિકાર—ટીઝરની પહેલી જ લાઇન અસર કરે છે
ટીઝરની શરૂઆત જ એક કડક અને અસરકારક સંવાદથી થાય છે— “અમારી દીકરીઓ પ્રેમ નથી કરતી, તેઓ જાળમાં ફસાય છે… હવે સહન નહીં કરીએ, લડશું.” આ સંવાદ ફિલ્મના મૂળ વિચારને સ્પષ્ટ રીતે રજૂ કરે છે. દરેક દૃશ્યમાં ભય, તણાવ અને દબાયેલો ગુસ્સો દેખાય છે, જે બતાવે છે કે આ ભાગ પહેલા કરતાં વધુ ગંભીર અને અસ્વસ્થ કરી નાખે એવો છે.
ત્રણ મહિલાઓની પીડા અને સંઘર્ષની કહાની
આ વખતે કહાની ત્રણ મહિલાઓની આસપાસ ફરતી જોવા મળે છે, જેમાં ઉલ્કા ગુપ્તા, અદિતિ ભાટિયા અને ઐશ્વર્યા ઓઝા મુખ્ય ભૂમિકામાં છે. પ્રેમ, વિશ્વાસ અને સુરક્ષાની લાગણી પછી તેઓ એક ભયાનક હકીકત સામે આવી જાય છે. ટીઝર સૂચવે છે કે ફિલ્મ માત્ર પીડા જ નહીં, પરંતુ મહિલાઓમાં જન્મતા વિરોધ, હિંમત અને પરિવર્તનને પણ પ્રગટ કરશે.
પહેલા ભાગ કરતાં ‘ગોઝ બિયૉન્ડ’
મેકર્સના કહેવા મુજબ, ધ કેરાલા સ્ટોરી 2: ગોઝ બિયૉન્ડ પહેલા ભાગથી પણ વધુ ઊંડાણમાં જઈ સમાજના એવા પ્રશ્નોને સ્પર્શશે, જેના પર સામાન્ય રીતે ખુલ્લી ચર્ચા થતી નથી. વિપુલ અમૃતલાલ શાહના માર્ગદર્શન હેઠળ બનેલી આ ફિલ્મ ફરી એકવાર દર્શકોને વિચારવા અને પ્રશ્ન પૂછવા મજબૂર કરશે—અને એ જ તેના ટીઝરની સૌથી મોટી તાકાત બનીને સામે આવે છે.









