અમિતાભની સુરક્ષા માટે નિયુક્ત હેડ કોન્સ્ટેબલ લેતો હતો વરસે દોઢ કરોડનો પગાર

જિતેન્દ્રનો વાર્ષિક પગાર દોઢ કરોડ રૂપિયા હોવાનું બહાર આવ્યા બાદ એની બદલી ડી.બી. માર્ગ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે

સુપરસ્ટારથી લઈ મેગા સ્ટાર સુધીના તમામ વિશેષણો પણ હવે જેમને માટે નાના કહેવાય એવા બૉલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના અંગરક્ષક તરીકેની જવબદારી મુંબઈ પોલીસના હેડ કોન્સ્ટેબલ જિતેન્દ્ર શિંદેની છે. પરંતુ ગુરુવારે એક અખબારમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલને પગલે અચાનક એના વાર્ષિક પગારની ચર્ચા શરૂ થઈ. જિતેન્દ્રનો વાર્ષિક પગાર દોઢ કરોડ રૂપિયા હોવાનું બહાર આવ્યા બાદ મુંબઈના પોલીસ કમિશનર હેમંત નગરાળેએ જિતેન્દ્રની બદલી ડી.બી. માર્ગ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.

સરકારી પગાર લેતો હોવા છતાં આ રીતે પૈસા લેવાની પરવાનગી હોતી નથી. કાયદા મુજબ એ અન્ય વ્યક્તિ પાસે પૈસા લઈ શકે નહીં. હવે જિતેન્દ્રએ એની આવક અને મિલકત અંગે પોલીસ અધિકારીને જાણકારી આપી હતી કે નહીં? એની તપાસ સરકાર કરી રહી છે. જોકે પોલીસ કમિશનર હેમંત નગરાળેએ તૈયાર કરેલી નવી માર્ગદર્શિકા મુજબ કોઈ પણ પોલીસ કોન્સ્ટેબલ એક પોસ્ટિંગ પર પાંચ વરસ કરતા વધુ રહી શકે નહીં, એટલે જિતેન્દ્રની બદલી કરવામાં આવી હોવાનું સૂત્રએ જણાવ્યું હતું.

જિતેન્દ્રની પત્ની પણ સિક્યોરિટી એજન્સી ચલાવે છે જે સેલિબ્રિટીઝને બૉડીગાર્ડ અને સુરક્ષા પૂરી પાડે છે. આ મામલે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે અમારી પાસે આવી કોઈ જાણકારી નથી. મીડિયામાં આવેલા અહેવાલોના આધારે જિતેન્દ્રને નોટિસ મોકલાવી ખુલાસો માગવામાં આવશે.

Exit mobile version