ઢોલિવુડમાં પહેલીવાર થઈ રહ્યું છે ફાઇવ સ્ટાર લક્ઝરી ક્રુઝમાં ફિલ્મનું શૂટિંગ

લખલૂટ ખર્ચે ફિલ્મના અતિ મહત્ત્વના દૃશ્યો ક્રુઝ પર ફિલ્માવાઈ રહ્યા છે

કોરોનાકાળમાં સુષુપ્ત થઈ ગયેલી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરી ધમધમવા લાગી છે. એક પછી એક વિવિધ વિષયો ધરાવતી ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ રહી છે અને દર્શકોનો આવકાર પણ મળી રહ્યો છે. તો અનેક ફિલ્મોના શૂટિંગ પણ હાલ ચાલી રહ્યા છે. આવી જ એક ફિલ્મ છે ગુજરાતથી ગોવા. એક સમયે હીરો તરીકે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગજવનાર અવ્વલ દરજ્જાના કલાકાર રાજદીપ હવે નિર્માતા-દિગ્દર્શક તરીકેની તેમની પહેલી ગુજરાતી ફિલ્મ ગુજરાતથી ગોવાના શૂટિંગમાં વ્યસ્ત છે. પર્ફેક્શનના આગ્રહી રાજદીપે ફિલ્મમાં આવતા ગોવાના દૃશ્યો શૂટ કરવા માટે ચાર દિવસ એક લક્ઝરી ક્રુઝ ભાડે રાખી હતી.

પાંચ માળની આલિશાન ક્રુઝમાં કસીનો, બાર, ડાન્સ ફ્લૉર, ડાઇનિંગ હૉલ, ક્રુઝના અપર ડેક પર ડીજે સંગ ઝૂમવાની સાથે ખાણી-પીણીની સુવિધા ઉપરાંત આરામ કરવા માટે લક્ઝરી કેબિનો. ક્રુઝ પર જનાર એક અલગ જ દુનિયાનો અનુભવ કરી રહ્યા હતા. ક્રુઝ પર ફિલ્મના મહત્ત્વના સીન ફિલ્માવાઈ રહ્યા હતા.

ક્રુઝમાં ચાલી રહેલા શૂટિંગની જાણકારી આપતા રાજદીપે ફિલ્મી ઍક્શનને જણાવ્યું કે, અમે લખલૂટ ખર્ચે ફિલ્મના અતિ મહત્ત્વના દૃશ્યો ક્રુઝ પર ફિલ્માવી રહ્યા છીએ. શૂટિંગમાં બૉલિવુડના વિખ્યાત વિલન શક્તિ કપૂર ઉપરાંત ફિલ્મના બે હીરો અક્ષત ઇરાની અને યશ શાહ સહિત અન્ય કલાકારો ભાગ લઈ રહ્યા છે. ક્યા અને કેવા સીન છે એની વિગત તો વધારે નહીં આપું પણ ક્રુઝ પર ફિલ્માવાઈ રહેલા દૃશ્યો ફિલ્મની વાર્તાના ટર્નિંગ પોઇન્ટ છે.

ફિલ્મની વાર્તા વિશે પૂછતા રાજદીપ કહે છે કે ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં બે અમીર બાપના બે યુવાનોની વાત છે જેઓ ખોટી સોબતને કારણે કેવી મુસીબતમાં મુકાય છે અને એમાંથી બહાર આવવાની તેમની મથામણ દર્શાવવામાં આવી છે. એ સાથે આજની પેઢીના યુવાનો માટે એક સંદેશ પણ છે. ફિલ્મમાં અલગ અલગ મૂડનાં ચાર ગીતો છે.

સ્મિત વંદન ફિલ્મ પ્રોડક્શન બેનર હેઠળ બની રહેલી ફિલ્મના નિર્માતાઓ છે સ્મિતા બારોટ, મુકેશ પટેલ, શૈલેષ પટેલ, વંદના બી. રાવલ. રાજદીપના દિગ્દર્શનમાં બની રહેલી ફિલ્મનું સંગીત શિવમ બાક્ષીનું છે તો ગીતો હેમંત, કેશવ રાઠોડ અને માહિલ પલ્લવીનાં છે. ઍક્શન કૉરિયોગ્રાફી દિલીપ યાદવની છે. કથા-પટકથા-સંવાદ રાજદીપના છે. તો કલાકારો છે અક્ષત ઇરાની, યશ શાહ, તનુ રાઠોડ, હૃદયા સિંગ, સાહિલ ખાન, શેખર શુક્લા, મીનાક્ષી, આત્મારામ ત્રિપાઠી, શાહરૂખ સાદરી, ભરત બ્રહ્મભટ્ટ, સ્મિતા બારોટ, વંદના રાવલ, એમિ, ડિમ્પલ, આસ્મી, રાજુ પંચાલ, દિવિંગ રાવલ, પંકજ પાઠક, જાગૃતિબહેન, પ્રવીણ, રોશની રાઠોડ, આશિષ સુખડવાલા, શક્તિ કપૂર અને રાજદીપ.

Exit mobile version