બ્લુ લાયન એન્ટરટેઇન્મેન્ટ દ્વારા નિર્મિત અને અખિલ કોટક દ્વારા અભિનીત-દિગ્દર્શિત સાયકો થ્રિલર બ્લાઇન્ડ ડેટ્સ આ શુક્રવારે ગુજરાતભરમાં રિલીઝ થઈ રહી છે.
ગુજરાતી ફિલ્મમાં કદાચ પહેલીવાર માનવીની સાત લાગણીઓ પર આધારિત ફિલ્મનું નિર્માણ થયું હશે. મનુષ્યની સાત લાગણીઓ… ક્રોધ, ઇર્ષ્યા, મોહ, વાસના, અહંકાર, ભય અને લોભને કેન્દ્રમાં રાખી ફિલ્મની વાર્તા લખવામાં આવી છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આ એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે અને દર્શકો એને વધાવી લેશે એવી આશા સર્જકો સેવી રહ્યા છે.
ફિલ્મ વિશે અખિલ કહે છે કે, ફિલ્મમાં સાયકો કિલરની વાત કહેવામાં આવી છે. અને કિલરની ભૂમિકા મેં પોતે ભજવી છે. તમને થશે કે નેગેટિવ કેરેક્ટર કરવાથી ઇમેજ પર અસર પડી શકે છે. પણ હું કહીશ, બ્લાઇન્ડ ડેટ્સમાં ભજવેલા સાયકો કિલરના પાત્રમાં તમામ પ્રકારના ભાવ દર્શાવવાનો મોકો મળ્યો છે. અચાનક ભાવપલટો કરવો એ ઘણું મુશ્કેલ કાર્ય છે. મારા માટે આ એક પડકારજનક ભૂમિકા હતી.
એક અલગ થીમ સાથે આવી રહેલી બ્લાઇન્ડ ડેટ્સમાં અખિલ કોટક ઉપરાંત ડિમ્પલ પટેલ, અંકિતા દુધૈયા, પ્રાચી ચૌહાણ, પ્રવિણ પઢરિયા સહિત અન્ય કલાકારો જોવા મળશે. એડિટર રાજુ પોરિયાએ એડિટિંગ ઉપરાંત અખિલ સાથે સહ-દિગ્દર્શનની પણ જવાબદારી સંભાળી છે. સંગીત નીરજ વ્યાસનું છે તો ગીતો હેમલ પ્રજાપતિના.