હિટવેવ છતાં ભર તડકામાં શૂટિંગ કરી રહ્યા હતા મહેર કરો મા મેલડીના કલાકારો

દિગ્દર્શક નિલેશ મહેતાએ હીટ વેવ હોવા છતાં ફિલ્મનું શૂટિંગ ચાલુ રાખ્યું હતું

હવામાન વિભાગે સમગ્ર ઉત્તર ભારત સહિત ગુજરાતમાં પણ હીટવેવને પગલે રેડ એલર્ટની જાહેરાત કરી હતી. એટલું જ નહીં, બપોરના સમયે અનિવાર્ય હોય તો જ ઘર બહાર નીકળવાની અપીલ કરી હતી. આમ છતાં કલાને સમર્પિત કલાકારો અને સદૈવ નિર્માતાના હિતને ધ્યાનમાં રાખી ફિલ્મ બનાવતા દિગ્દર્શક નિલેશ મહેતાએ હીટ વેવ છતાં ફિલ્મનું શૂટિંગ ચાલુ રાખ્યું હતું.

આ અંગે ફિલ્મના મુખ્ય કલાકાર નિરવ કલાલે જણાવ્યું કે અમે જે ફિલ્મ કરી રહ્યાં છીએ એનું બજેટ  મર્યાદિત હોવાને કારણે નિયત સમયમાં જ પૂરી કરવાનું અમારું લક્ષ્ય હતું. ઉનાળો છે અને ગરમી હશે એની જાણ હતી પણ આવો કાળઝાળ હીટ વેવનો સામનો કરવો પડશે એવું ધાર્યું નહોતું. પણ માતાજીની કૃપાથી અમે નિર્વિઘ્ને ફિલ્મનું શૂટિંગ કરી શક્યા.
મહેર કરો મા મેલડીની અભિનેત્રી આરઝુ લિંબચિયાને તો અનેક તકલીફોનો સામનો કરવો પડ્યો. ભર તડકાને કારણે થતાં પરસેવાને કારણે મેકઅપ ખરાબ થતો હોવાથી વારંવાર એ ટચઅપ કરાવવો પડતો. ઉપરાંત વિવિધ શુભ પ્રસંગે ભારે સાડીઓ અને ડ્રેસ ૪૩ ડિગ્રી જેટલી ગરમી રાજપીપળામાં હોવા છતાં કલાકો સુધી પહેરીને શૂટિંગ કરવું પડતું. આને કારણે અનેક તકલીફ સહેવી પડતી હતી. હીરો હીરોઈન જેવી જ હાડમારી અન્ય કલાકારોથી લઈ સ્પોટબૉય સુધીના પૂરા યુનિટે સહન કરવી પડી હતી.

ભારે ગરમીમાં શૂટિંગ કરી રહેલા ફિલ્મના દિગ્દર્શક નિલેશ મહેતાએ કહ્યું કે, અમે જ્યારે ફિલ્મનું શિડ્યુલ નક્કી કર્યું ત્યારે હતું જ કે ધોમધખતા તાપમાં અમારે કામ કરવું પડશે. પણ ચામડી બાળી નાખે એવી કાળઝાળ ગરમીમાં શૂટિંગ કરવું પડશે એવું ધાર્યું નહોતું.
જોકે યુનિટની કોઈ પણ સભ્ય બીમાર ન થાય એનું ધ્યાન રાખ્યું હતું.

નિર્માતા પ્રફુલ ગુટકા, સહનિર્માતા જીગ્નેશ ગુટકા અને કાર્યકારી નિર્માતા તિલકધારી ત્રિપાઠીએ કોઈ પણ કલાકાર કસબી લૂ લાગવાથી માંદા ન પડે એનું પૂરું ધ્યાન રાખ્યું હતું. સેટ પર સતત છાશ, શરીરને ઠંડક આપે એવા સરબત યુનિટ માટે તૈયાર રાખવામાં આવ્યા હતા.

ભુવનેશ્વરી ફિલ્મ્સ બેનર હેઠળ બની રહેલી મહેર કરો મા મેલડીના નિર્માતા પ્રફુલ ગુટકા છે તો દિગ્દર્શન ગુજરાતી ફિલ્મોના પીઢ દિગ્દર્શક નિલેશ મહેતા કરી રહ્યા છે. નિરવ કલાલ, આરઝુ લિંબચિયા, રાજીવ પંચાલ, પૂજા સોની, ધરા ત્રિવેદી, દર્શન માવાણી, નિકુંજ મહેતા, પરેશ રાઠોડ, પૂર્વી શાહ, વિરાજ સોલંકી, કૌશિકા ગોસ્વામી, હંસા સોનાર, નૈષધ રાવલ, ઝૂમ ઝૂમ (મંજુલા), ઋત્વિક મકવાણા, જૈવલ સોની, નિલેશ, શિવા અને પી સી કાપડિયા અભિનીત ફિલ્મના સહનિર્માતા જીગ્નેશ ગુટકા છે તો કાર્યકારી નિર્માતા છે તિલકધારી ત્રિપાઠી.

Exit mobile version