ગુજરાતના નાણા પ્રધાન કનુભાઈ દેસાઇના અધ્યક્ષસ્થાને તા.૨૭ જૂનના રોજ ગાંધીનગર ખાતે યોજાનાર કાર્યક્રમમાં શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો અને તેના કલાકાર-કસબીઓને પારિતોષિક અર્પણ કરવામાં આવશે. આ સમારંભમાં નાણા પ્રધાનના હસ્તે ૪૬ જેટલી કેટેગરીમાં આશરે ૧૮૧ અવૉર્ડ એનાયત કરવામાં આવશે. ગુજરાતી ફિલ્મો તેમજ કલાકાર-કસબીઓને પ્રોત્સાહન આપવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે માહિતી અને પ્રસારણ વિભાગ અંતર્ગત આવતી માહિતી નિયામકની કચેરી દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ ચલચિત્રોને પારિતોષિક અર્પણ કરવામાં આવે છે.
આ વરસે ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહમાં વર્ષ ૨૦૧૬ થી ૨૦૧૯ સુધીના ચાર વર્ષ દરમિયાન રજૂ થયેલી ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવા સચિવાલય, સ્વર્ણિમ સંકુલ-૨ સ્થિત દ્વારકા હૉલમાં સવારે ૯.૩૦ કલાકે યોજાનારા સમારંભમાં શ્રેષ્ઠ નિર્માતા, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ વેશભૂષા, શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શક તેમજ શ્રેષ્ઠ કલાકાર સહિતની વિવિધ ૪૬ કેટેગરીમાં આશરે ૧૮૧ જેટલા અવૉર્ડ એનાયત કરવામાં આવશે. આ ચાર વરસ દરમિયાન રજૂ થયેલી રોંગ સાઇડ રાજુ, હેલ્લારો, કેરી ઑન કેસર, લવની ભવાઇ, ગુજ્જુભાઇ:મોસ્ટ વૉન્ટેડ, કરસનદાસ પે એન્ડ યુઝ, રેવા તેમજ બેસ્ટ ઑફ લક લાલુ સહિતની ફિલ્મોનો સમાવેશ છે. ૨૧ હજારથી લઈને ૨.૫૦ લાખ રૂપિયા સુધીના રોકડ ઇનામની રકમ આ અગાઉ વિજેતાઓને ચુકવી દેવાઈ છે.
ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહમાં પ્રતિક ગાંધી, જિગરદાન ગઢવી, રાહુલ ભોલે, અભિષેક જૈન, અભિષેક શાહ, કીર્તિદાન ગઢવી, વિપુલ મહેતા, મલ્હાર ઠાકર, આરોહી પટેલ, સાધના સરગમ, સુપ્રિયા પાઠક તેમજ સિધ્ધાર્થ રાંદેરિયા સહિત અનેક વિખ્યાત કલાકાર-કસબીઓ ઉપસ્થિત રહેશે. નાણા પ્રધાન કનુભાઇ દેસાઇની અધ્યક્ષતા હેઠળ યોજાનાર કાર્યક્રમમાં માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ તેમજ માહિતી નિયામક ડી. કે.પારેખ ઉપસ્થિત રહેશે.