પ્રેમ ક્યારેક ખુશી આપે છે, તો ક્યારેક અસહ્ય દર્દ… અને આ બંને ભાવનાઓને સંગીત સાથે જીવંત રીતે રજૂ કરતી નવી હિન્દી ફિલ્મ ‘તેરા યાર હૂં મૈં’ ટૂંક સમયમાં રિલીઝ થઈ રહી છે. એક દીવાને કી દીવાનિયતની સફળતા બાદ જાણીતા દિગ્દર્શક મિલાપ મિલન ઝવેરી ફરી એકવાર પ્રેમની અનોખી કહાની લઈને આવી રહ્યા છે. મોશન પોસ્ટરની સાથે ફિલ્મની રિલીઝની તારીખ પણ જાહેર કરવામાં આવી છે.
મે 2026માં સિનેમાઘરોમાં પ્રેમનો મહોત્સવ
ફિલ્મ નિર્માતાઓએ તાજેતરમાં જાહેર કર્યું છે કે ‘તેરા યાર હૂં મૈં’ 22 મે 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. રિલીઝ કરાયેલા મોશન પોસ્ટરમાં ફિલ્મની વાર્તામાં દોસ્તી, પ્રેમ, ભગ્નહૃદય અને લાગણીઓના ઉતાર-ચઢાવની ઝલક જોવા મળે છે…. ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખાયું, પ્રેમ, દર્દ અને સંગીત માટે તૈયાર થઈ રહો!

નવો ચહેરો, તાજી જોડી અને દિગ્ગજ સહાયક કલાકારો
દિગ્દર્શક ઇન્દ્ર કુમારના પુત્ર અમન ઇન્દ્ર કુમાર તેરા યાર હૂં મૈં ફિલ્મથી બૉલિવુડમાં પદાર્પણ કરી રહ્યો છે. તેની સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે સુંદર અને પ્રતિભાશાળી આકાંક્ષા શર્મા. ઉપરાંત, સદાબહાર અભિનેતા પરેશ રાવલની હાજરી ફિલ્મને વધુ રોચક બનાવે છે.
વાર્તા અને સંગીત… બંને હૈયાને સ્પર્શી જશે
નિર્માતાઓના કહેવા મુજબ, ‘તેરા યાર હૂં મૈં’ માત્ર એક લવ સ્ટોરી નથી, પરંતુ પેઢીઓને જોડતી લાગણીઓની સફર છે. મજબૂત સ્ક્રિપ્ટ, અનુભવી સહાયક કલાકારો અને દિલને સ્પર્શે એવું સંગીત દર્શકોની લાગણીના તાર ઝણઝણાવી જશેય
ધરખમ બેનર
મુંબઈ ફિલ્મ્સ અને BIK પ્રોડક્શન્સ દ્વારા, એન્ટર10 ટેલિવિઝનના સહયોગથી રિલીઝ થઈ રહેલી ફિલ્મને અજય મુર્દિયા પ્રસ્તુત કરે છે. બીના ઇન્દ્ર કુમાર, અજય મુર્દિયા અને મનીષ સિંઘલ દ્વારા નિર્મિત તથા શરદ ખન્ના દ્વારા સહ-નિર્મિત આ પ્રોજેક્ટ કેમેરા ટેક ફિલ્મ્સનો છે.
પિતાને ગર્વ થાય એવી શરૂઆત
નવેમ્બર 2024ના મહૂર્ત સમારંભ દરમિયાન અમન ઇન્દ્ર કુમારે ભાવુક શબ્દોમાં કહ્યું હતું કે, તેઓ પોતાના પિતાને ગર્વ અનુભવાય એવું કામ કરવા માંગે છે… અને દર્શકોનો પ્રેમ તેમની સૌથી મોટી તાકાત છે.









