1951માં આવેલી ફિલ્મ દીદારનું ગીત ‘બચપન કે દિન યું ભૂલા ન દેના, આજ હંસે કલ રૂલા ન દેના…’ આજે પણ લોકો ભૂલ્યા નથી. ઘોડા પર બેસીને આ ગીત બે બાળકો ગાઈ રહ્યા છે. જેમાં પાછળ બેઠેલો બાળ કલાકાર છે બલરાજ સહાનીનો દીકરો અજય સહાની (પરિક્ષીત સહાની) અને આગળ બેઠી છે બેબી તબસ્સુમ. માત્ર ત્રણ વરસની ઉંમરે ફિલ્મી દુનિયામાં ડગ માંડનાર તબસ્સુમનું શુક્રવારે (18 નવેમ્બર) 78 વર્ષની વયે હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું. જોકે તબસ્સુમના નિધનની જાણ બધાને છેક શનિવારે થઈ હતી.
પચાસના દાયકામાં આવેલી ‘દારા સિંહ’ ફિલ્મમાં તબસ્સુમના હીરો હતા સલમાન ખાનના પિતા સલિમ ખાન
78 વર્ષનાં તબસ્સુમ ગોવિલ છેલ્લા 75 વરસથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત હતા. 1947માં માત્ર ત્રણ વરસની ઉંમરે નરગિસ ફિલ્મથી બેબી તબસ્સુમના નામે ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. તબસ્સુમ બૉલિવુડની કદાચ એક માત્ર અભિનેત્રી હશે જેમણે બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોથી લઈ સ્ટેજ, થિયેટર, દૂરદર્શન, યુટ્યુબ ચૅનલ જેવા વિવિધ માધ્યમોમાં કામ કર્યું હોય. તબસ્સુમની તબિયત બગડી એ પહેલાં એક કાર્યક્રમનું શૂટિંગ કરી રહ્યાં હતાં. એના અમુક હિસ્સાનું શૂટિંગ પૂરું થયું હતું અને બાકીના હિસ્સાનું શૂટિંગ આવતા અઠવાડિયે કરવાનું હતું પણ એ અગાઉ જ તેમણે આખરી એક્ઝિટ લીધી.
નવી ટેક્નોલૉજીને સતત અપનાવતા રહેતાં તબસ્સુમે સોશિયલ મીડિયા પણ ગજવ્યું હતું. યુટ્યુબની તેમની ચૅનલ તબસ્સુમ ટૉકીઝના હજારો સબસ્ક્રાઇબર્સ છે. તબસ્સુમ ટૉકીઝમાં તબસ્સુમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ન જાણેલી વાતો દર્શકો સુધી પહોંચાડતાં હતાં.
તબસ્સુમ હંમેશ કહેતાં કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સો વરસ થયા અને મને પંચોતેર. એટલે ઇન્ડસ્ટ્રીની અડધી હસ્તીઓના ખોળામાં હું રમી છું તો આજની યુવા પેઢી મારાં ખોળામાં રમીને મોટી થઈ છે.
દૂરદર્શનનો શો ફૂલ ખિલે હૈ ગુલશન ગુલશન એટલો લોકપ્રિય હતો કે દર્શકોના પત્રોનો ઢગલો તબસ્સુમને ત્યાં થતો
ફિલ્મોમાં ચરિત્ર અભિનેત્રી તરીકે કામ ચાલું હતું એ દરમિયાન દૂરદર્શનની શરૂઆત થઈ. તબસ્સુમે દૂરદર્શનના શો ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશનનું સંચાલન શરૂ કર્યું. આ શો એટલો લોકપ્રિય બન્યો કે સતત એકવીસ વરસ (1972-1993) સુધી લોકપ્રિયતાની ટોચે રહ્યો. આ કાર્યક્રમમાં તબસ્સુમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વિખ્યાત હસ્તીઓ ઉપરાંત જગત સિંહ જગ્ગા ડાકુ (જેના પર જાણીતા નવલકથાકાર અને ચિત્રલેખાના તંત્રી હરકિસન મહેતાએ ‘જગ્ગા ડાકુના વેરના વળામણાં’ લખી હતી)ની પણ મુલાકાત લીધી હતી.