સૂર્યવંશીના કલેક્શનના આંકડાઓ જોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી બમણાં ઉત્સાહથી દિવાળીની ઉજવણી કરી રહી છે
કોવિડ – ૧૯ મહામારીને પગલે છેલ્લા દોઢ – વરસથી એક પણ મોટી ફિલ્મ રિલીઝ થઈ નહોતી. પરંતુ કોરોનાનું જોર ઘટયા બાદ મોટા ભાગના રાજ્યોએ લોકડાઉનના નિયમો હળવા કર્યા બાદ ફિલ્મોને થિયેટરમાં રિલીઝ કરવાની પરવાનગી આપવામાં આવી. જોકે મોટાભાગના રાજ્યોમાં થિયેટરમાં પચાસ ટકા હાજરી સાથે ફિલ્મ પ્રદર્શિત કરવાની મંજૂરી અપાઈ છે. આમ છતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવું જોમ આવ્યું અને દિવાળી નિમિત્તે અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશીને રિલીઝ કરવામાં આવી.
બે વરસથી થિયેટર ખુલવાની રાહ જોઈ રહેલી સૂર્યવંશીએ દેશભરમાં ધૂમ મચાવી રહી છે. અક્ષય કુમાર ભાજપ તરફી હોવાનું જણાવી ખેડૂતોએ
પંજાબમાં સૂર્યવંશીનો વિરોધ કર્યો હોવાથી અહીં ફિલ્મ રિલીઝ થઈ શકી નથી. આમ છતાં ફિલ્મે પહેલા દિવસે ૨૬ કરોડ રૂપિયાનો વકરો કર્યો. જે રીતે ફિલ્મને દર્શકોનો આવકાર મળી રહ્યો છે એ જોઈને એવું લાગી રહ્યું છે કે કોરોના કાળ બાદ સો કરોડની ક્લબના બંધ પડેલા તાળા ખોલવાનું કામ સૂર્યવંશી કરશે.
સૂર્યવંશીના કલેક્શનના આંકડા જોઈ સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી દિવાળી બમણાં ઉત્સાહથી ઉજવી રહી છે. કારણ, સૂર્યવંશી બાદ અનેક બિગ બજેટ ફિલ્મો રિલીઝ થવાની છે.