ગુજરાતી રંગભૂમિની શાન સુજાતા મહેતાનો યાદગાર વન-વુમન શો, 10 જાન્યુઆરી 2026એ મુંબઈમાં
ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ જ્યારે પણ લખાશે, ત્યારે સુજાતા મહેતાનું નામ સુવર્ણ અક્ષરોમાં અચૂક લખાશે. અભિનયની ઊંચી શિસ્ત, વ્યક્તિત્વની સહજ ભવ્યતા અને પ્રેક્ષકો સાથેની આત્મીય જોડાણ—આ બધાનો અદભુત સંગમ એટલે સુજાતા મહેતા. હવે એ જ લેજન્ડરી અભિનેત્રી “સુજાતા રંગરંગીલી” નામના અનોખા વન-વુમન શો દ્વારા ફરી એકવાર દર્શકોને રંગીન, સંવેદનશીલ અને યાદગાર અનુભવ આપવાની તૈયારીમાં છે.

માત્ર 12 વર્ષની ઉંમરથી રંગભૂમિ સાથે જોડાયેલી સુજાતા મહેતાની કારકિર્દી અદ્વિતીય રહી છે. “આંખની અટારી સાવ સુની”, “અમે બરફના પંખી”, “રાફડા” અને લતેશ શાહ રચિત–દિગ્દર્શિત “ચિત્કાર” જેવા નાટકોમાં તેમનો અભિનય પ્રેક્ષકો અને વિવેચકો બંને માટે સ્મરણિય બન્યો. દરેક શોમાં મળતી તાળીઓ અને ભાવુક પ્રતિસાદ તેમની લોકપ્રિયતાનો જીવતો પુરાવો છે.
ટેલિવિઝન જગતમાં “ખાનદાન”, “અંદાઝ” અને “શ્રીકાંત” જેવી સિરિયલ્સ દ્વારા તેમણે ઘરો-ઘરોમાં પોતાની ઓળખ સ્થાપી. ગુજરાતી રંગભૂમિમાંથી ફિલ્મોમાં પ્રવેશનાર પહેલી સ્ટાર અભિનેત્રી તરીકે પણ તેઓ નોંધપાત્ર છે. “પ્રતિઘાત”, “યતીમ”, “કનવરલાલ”, “ગુનાહ”, “જંગ” અને “ધરતીપુત્ર” જેવી ફિલ્મોમાં તેમનો અભિનય શક્તિશાળી અને પ્રભાવશાળી રહ્યો છે. અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ છતાં, સુજાતા મહેતાની સાદગી અને વિનમ્રતા આજે પણ તેમની સૌથી મોટી ઓળખ છે.
લતેશ શાહ સાથે વાતચીત…
આ ભૂમિકામાં સુજાતા મહેતાની પસંદગી કેમ?
“સુજાતા મહેતા અદભુત અને અત્યંત મહેનતી અભિનેત્રી છે. રંગભૂમિ પ્રત્યેની તેમની નિષ્ઠા અને શિસ્ત અદ્વિતીય છે. આ નાટક માટે એમનાથી શ્રેષ્ઠ કોઈ હોઈ જ ન શકે.”
શોના ઓપનિંગ માટે 10 જાન્યુઆરી 2026નો દિવસ ખાસ કેમ?
“આ દિવસ RSSના 100 વર્ષ પૂર્ણ થવાનો ઐતિહાસિક દિવસ છે. સનાતન વિચારધારાની પ્રેરણાથી જોડાયેલો હોવાથી આ તારીખ મને વિશેષ લાગી.”
“સુજાતા રંગરંગીલી” વિશે શું ખાસ છે?
“આ એક માઇન્ડ-બ્લોઇંગ વન-વુમન શો છે. સેકન્ડ્સમાં પાત્ર બદલવા, નવ રસો રજૂ કરવા અને દર્શકોને હસાવતાં-વિચારતા-ભાવુક બનાવવાની શક્તિ સુજાતામાં છે.”
10 જાન્યુઆરી 2026ે, કાંદિવલી ઈસ્ટ સ્થિત અલિકા હોલમાં ભજવાતું “સુજાતા રંગરંગીલી” માત્ર નાટક નથી—તે છે પ્રતિભા, અનુભવ અને જીવનરસની ઉજવણી.









