આપનું માનીતું ફિલ્મી ઍક્શન આપ સૌના માટે ખાસ લાવી રહ્યું છે, એક જોરદાર… દમદાર… શ્રેણી શરૂઆતથી રજૂઆત સુધી. આ શ્રેણીમાં કોઈ પણ ફિલ્મ, નાટક કે સિરિયલની શરૂઆતથી લઈ રજૂઆત સુધીની રજેરજની રસપ્રદ વિગતો અને માહિતી….
અમારી આ શ્રેણીની શરૂઆત અમે કરવા જઈ રહ્યા છીએ ગુજરાતના લોખંડી પુરુષ સરદાર પટેલને કેન્દ્રમાં રાખી બની રહેલી ‘હા હું પટેલ છું’ ફિલ્મથી.
મનોજ નથવાણીએ સૌપ્રથમ ફિલ્મી ઍક્શનને પાંચમી વર્ષગાંઠની શુભેચ્છાઓ આપવાની સાથે જણાવ્યું કે, ફિલ્મનું ટાઇટલ પટેલ છે તો સ્વાભાવિક છે કે ફિલ્મ પણ પટેલ સમાજના આદર્શ, સંસ્કાર, સંસ્કૃતિ, રીતભાત પર આધારિત હોવાની, આમ છતાં તમામ પ્રેક્ષકોના મનોરંજનને કેન્દ્રમાં રાખી અમે ફિલ્મ બનાવી રહ્યા છીએ. અને હા, પટેલ સમાજને તો વારંવાર જોવી ગમશે જ એવી સુંદર વાર્તા અને સંવાદો સાથે અમે આવી રહ્યા છીએ.
આ પરિવારના સભ્યોની સહુથી મોટી વિશેષતા એ છે કે આ કલાકારો દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે. અભિનય ક્ષમતાના જોરે દર્શકોની અપાર ચાહના મેળવનારા કલાકારો છે જાજરમાન અભિનેત્રી પ્રતિમા ટી., હેમંત જહાં, હિતેશ ઉપાધ્યાય, હરિકૃષ્ણ દવે, જિતેન્દ્ર કોટક, અસ્મિતા પંચાલ, પિયુષ અઢિયા અને મનીન ત્રિવેદીની સાથે છે ધારા જાની (આણંદ – અમેરિકા), પ્રિયંકા પટેલ (સુરત – મુંબઈ), પૂર્ણિમા દેસાઈ (વડોદરા – અમેરિકા), આરતી ઠકકર (વડોદરા- અમેરિકા) અને ફિરોઝ ઇરાની. ફિલમનું સંગીત ગુજરાતી ફિલ્મના વિખ્યાત સંગીતકાર પંકજ ભટ્ટ આપી રહ્યા છે તો ડીઓપી છે સુશાંત પટેલ.