ધ કાશ્મીર ફાઇલ્સને પ્રમોટ કરવા ગુજરાતના સામાજિક મંડળો, નેતાઓ અને ધંધાદારીઓ આગળ આવી રહ્યા છે

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં કદાચ પહેલીવાર એવું બની રહ્યું હશે કે સામાન્ય નાગરિકો, વેપારીઓ પોતાના ખીસાના ખર્ચે ફિલ્મનો પ્રચાર કરી રહ્યા હોય

વિવેક રંજન અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ દર્શકો સુધી ન પહોંચે એ માટે અનેક કાવાદાવા થઈ રહ્યા છે ત્યારે કાશ્મીરમાં થયેલા હિન્દુઓનો કરાયેલો નરસંહાર અને લાખો કાશ્મીરી પંડિતોને શરણાર્થી તરીકે રાહત કેમ્પમાં રહેવાની ફરજ પાડનાર મુસ્લિમ અલગતાવાદીઓની કડવી હકીકત રજૂ કરતી ફિલ્મ વધુમાં વધુ લોકો જુએ અને હકીકતની જાણકારી મેળવે એ માટે ગુજરાતના વેપારીઓ આગળ આવી રહ્યા છે. વેપારીઓ, સામાજિક સંસ્થાઓ અને નેતાઓ વિવિધ પ્રકારે ફિલ્મને પ્રમોટ કરી રહ્યા છે. આવો જોઇએ ગુજરાતમાં ધ કાશ્મીર ફાઇલ્સના પ્રમોશન માટે લોકો શું કરી રહ્યા છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં કદાચ પહેલીવાર એવું બની રહ્યું હશે કે સામાન્ય નાગરિકો, વેપારીઓ પોતાના ખીસાના ખર્ચે ફિલ્મનો પ્રચાર કરી રહ્યા હોય.

પક્ષના કાર્યકરો માટે શો બુક કર્યો

જામનગરમાં આવેલા મેહુલ  સિનેમેકસ મલ્ટીપ્લેકસ ખાતે રવિવારે ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મનો આખો શો જામનગર મહાનગર ભાજપના મહામંત્રી મેરામણભાઇ ભાટુ દ્વારા બુક કરવામાં આવ્યો હતો. મેરામણભાઈના આમંત્રણને પગલે આર સી ફળદુ, વિમલભાઈ કગથરા અને જાણીતા ફિલ્મ નિર્માતા મેહુલ કુમાર શોમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર મહાનગરના મહામંત્રી મેરામણભાઈ ભાટુએ પક્ષના જામનગર અને દેવભૂમિ દ્વારકાના 400 કાર્યકરો એક સાથે ફિલ્મ જોઈ શકે એ માટે મેહુલ સિનેમેક્સ ખાતે આખો શો બુક કર્યો હતો. તો વડોદરામાં પણ એક સામાજિક સંસ્થાએ જનતા માટે ખાસ શોનું આયોજન કર્યું હતું.

માત્ર નેતા જ નહીં, સામાન્ય ચાની ટપરીવાળા પણ ફિલ્મને પ્રમોટ કરવામાં તેમનું યોગદાન આપી રહ્યા છે. ગુજરાતના અનેક શહેરોમાં ચા વેચનારા કાશ્મીર ફાઇલ્સ જોઇને આવનારા ટિકિટ બતાવે તો ચા ફ્રી આપે છે. તો ઘણા દુકાનદારો ફિલ્મ જોઇને આવનારને ટિકિટ સામે ભારે ડિસ્કાઉન્ટ ઑફર કરી રહ્યા છે.

હોટેલ હોય કે લારી પર ખાણીપીણી વેચનારા, તમામ ફિલ્મનો યથાયોગ્ય પ્રચાર જ નથી કરી રહ્યા પણ લોકોને ફિલ્મ જોવા પ્રેરી રહ્યા છે. ચાની લારીવાળા ચા મફત પીવડાવી રહ્યા છે તો દુકાનદારો ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. મજાની વાત એ છે કે દવાની દુકાન ધરાવનારા પણ ફિલ્મ જોઈ આવ્યા બાદ ટિકિટ બતાવે તો દવા પર ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. તો મોબાઇલની દુકાનો મોબાઇલ લેનારને ખાસ છૂટની ઑફર આપી રહ્યા છે.

વિવેક રંજન અગ્નિહોત્રીને ફિલ્મ રિલીઝ ટાણે પ્રચાર માટે કોઈ સાથ-સહકાર આપવા આગળ આવતું નહોતું ત્યારે વિવેકે ધાર્યું પણ નહીં હોય કે દર્શકો ગાંઠના પૈસા ખર્ચીને એની ફિલ્મનું પ્રમોશન કરવા આગળ આવશે.

Exit mobile version