મંગળવારે સાંજે એક લાઇવ કૉન્સર્ટ બાદ બૉલિવુડના વિખ્યાત ગાયક કેકે એમની હોટેલના રૂમના પલંગ પર પડ્યા બાદ તેમને હોસ્પિટલ લઈ જવાયા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા. પરંતુ હવે આ મામલે એક નવો વળાંક આવ્યો છે. કારણ, કોલકાતા પોલીસે અસામાન્ય મૃત્યુનો કેસ નોંધ્યો છે અને હોટેલના સીસીટીવી ફૂટેજની તપાસ થઈ રહી છે. એવું કહેવાય છે કે કેકેના શરીર પર ઇજાના નિશાન મળ્યા બાદ ન્યૂ માર્કેટ પોલીસ સ્ટેશને કેસ નોંધ્યો છે.
પોલીસ સૂત્રના જણાવ્યા મુજબ કેકેના ચહેરા અને માથા પર ઇજાના નિશાન છે. હોટેલ સ્ટાફ અને કૉન્સર્ટના આયોજકોની પણ પોલીસ પૂછપરછ કરશે.
નિધન બાદ કેકેના મૃત્યુ અંગે અનેક સવાલ ખડા થઈ રહ્યા છે. એવું કહેવાય છે કે જ્યાં કૉન્સર્ટ થઈ રહી હતી ત્યાંનું એસી બંધ હતું અને ભારે ભીડને કારણે કેકેને તકલીફ થઈ રહી હતી. દરમિયાન, સિંગરની કટન્સર્ટનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં કેકે પરસેવાથી લથપથ જોવા મળે છે.
ભીડને વિખેરવા ફાયર એસ્ટિંગિશર સ્પ્રે કરવામાં આવ્યું
સિંગર કેકેના નિધને એક મોટો સવાલ ખડો કર્યો છે. કોલકાતાની મશહૂર વિવેકાનંદ કૉલેજના ઑડિટોરિયમમાં સિંગરનું કૉન્સર્ટ 31 મેના યોજાઈ હતી. કૉન્સર્ટનો એક વિડિયો વાયરલ થયો છે જેમાં કેકે એકદમ પરેશાન હોવાનું જણાઈ રહ્યું હતું, તેઓ પરસેવો લૂછી રહ્યા હતા, તેમને ગરમી લાગી રહી હતી. કૉન્સર્ટની ફૂટેજમાં અવ્યવસ્થા અને ખરાબ મેનેજમેન્ટ સ્પષ્ટ નજરે પડે છે. એવો આક્ષેપ પણ થઈ રહ્યો છે કે અવ્યવસ્થાને કારણે જમા થયેલી ભીડને વિખેરવા ફાયર એસ્ટિંગિશર સ્પ્રે કરવામાં આવ્યું હતું. કેકેની તબિયત ખરાબ થવામાં આ પણ એક મહત્ત્વનું કારણ હોવાનુ મનાઈ રહ્યુ છે.
કૉન્સર્ટમાં કેકેને મળેલો બુકે અને સાથે છે ગીતોની યાદી
કૉન્સર્ટમાં ઉપસ્થિતના જણાવ્યા મુજબ ઑડિટોરિયમમાં ભારે ભીડ હતી. હૉલની કેપેસિટી અઢી-ત્રણ હજારની છે પણ કાર્યક્રમમાં એનાથી બમણા લોકો હોવાનું જણાવ્યું હતું. હૉલમાં ટિકિટથી નહીં પણ પાસ દ્વારા પ્રવેશ અપાતો હતો.
સિંગર કેકેના મૃત્યુ પાછળ મોટી લાપરવાહી હોવાનું બહાર આવ્યા બાદ કોલકાતાના જોઇન્ટ કમિશનર ઑફ પોલીસ (ક્રાઇમ) મુરલીધર શર્મા, કેકે જે હોટેલમાં ઉતર્યા હતા એ ધ ઓબેરોય ગ્રૅન્ડમાં પહોંચ્યા હતા.
કેકેનો પરિવાર બુધવારે સવારે કોલકાતા પહોંચ્યો હતો અને તેમની પરવાનગી બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
આજે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ જાહેર કર્યું હતું કે કેકેના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેકેના નિધન અંગે દુખ વ્યક્ત કર્યું હતું. તો ગૃહ પ્રધાન અમિત શાહે પણ કેકેને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
ગુજરાતી ફિલ્મનું ગીત પણ ગાયું હતું કેકેએ
મંગળવારે અવસાન પામેલા બૉલિવુડના વિખ્યાત ગાયક કેકેએ એક ગુજરાતી ફિલ્મમાં પણ ગીત ગાયું હતું. ગુજરાતી ફિલ્મમાં કેકેએ એક માત્ર ગીત 2019માં આવેલી ધ્વનિ ગૌતમ દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ઑર્ડર ઑર્ડર આઉટ ઑફ ઑર્ડરમાં ગાયું હતું. ગીતના શબ્દો છે, તારી મારી વાતો. ભાર્ગવ પુરોહિતે લખેલાં ગીતને સ્વરબદ્ધ કર્યું હતું રાહુલ મુંજારિયાએ