બૉલિવુડના જાણીતા દિગ્દર્શક શ્યામ બેનેગલે બાંગ્લા દેશના રાષ્ટ્રપિતા શેખ મુજીબુર રહેમાનની બાયોપિક મુજીબ – ધ મેકિંગ ઑફ અ નેશનનું પોસ્ટર લૉન્ચ કર્યું છે. બંગબંધુની ફિલ્મનું નિર્માણ ભારત અને બાંગ્લા દેશ વચ્ચે થયેલા ઑડિયો-વિઝ્યુઅલ પ્રોડક્શન સમજૂતિ અંતર્ગત કરાયું છે. વિખ્યાત સર્જક શ્યામ બેનેગલે શેખ મુજીબુર રહેમાનની 102મી જયંતિ (17 માર્ચ)ના અવસરે નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએફડીસી), મુંબઈ ખાતે ફિલ્મના પોસ્ટરને લૉન્ચ કર્યું હતું.
ભારત અને બાંગ્લા દેશે બંગબંધુની જન્મ શતાબ્દી નિમિત્તે શેખ મુજીબુર રહેમાનની બાયોપિક બનાવવાની ઘોષણા કરી હતી. ફિલ્મ અંગે જણાવતા શ્યામ બેનેગલે જણાવ્યું કે, શેખ મુજીબુર રહેમાનનું જીવન ચરિત્ર પરદા પર લાવવું તેમના માટે કઠીન કાર્ય હતું. તેમણે કહ્યું કે, બંગબંધુના નામે વિખ્યાત શેખ મુજીબુર રહેમાનની જીવનીને મોટા પરદે સાકાર કરવું એ ગાગરમાં સાગર સમાવવા જેવું કામ હતું.
નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને બાંગ્લા દેશ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સંયુક્ત સાહસ અંગે એનએફડીસીના મેનેજિંગ ડિરેક્ટર રવિન્દર ભાકરે કહ્યું કે, મજીબ – ધ મેકિંગ ઠફ અ નેશન એનએફડીસીની એક ઐતિહાસિક ફિલ્મ હશે. હકીકતમાં બીએફડીસી ના સહયોગમાં આ ફિલ્મ બનાવવાનો અનુભવ ઘણો સુખદ રહ્યો.
બીએફડીસીનાં અધ્યક્ષ શ્રીમતી નુજહત યાસ્મીને આ અવસરે જણાવ્યું કે, મુજીબ – ધ મેકિંગ ઑફ અ નેશન અમારા માટે માત્ર ફિલ્મ નથી અમારી લાગણીઓ એની સાથે જોડાયેલી છે. હું એનએફડીસીનો આભાર માનું છું કે અમારૂં સપનું સાકાર કરવા અમને પૂરો સહયોગ આપ્યો. બાંગ્લા દેશના નાગરિકો શ્યામ બેનેગલની બંગબંધુની બાયોપિકની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
શેખ મુજીબુરની ભૂમિકા ભજવનાર બાંગ્લા દેશના અભિનેતા અરિફિન શુવોએ કહ્યું કે, મુજીબની ભૂમિકા ભજવવી મારા માટે પડકારરૂપ હતી. પણ એક સપનું સાકાર થયું હોય એવું લાગી રહ્યુ છે. હું આ પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ સાથે સંકળાયો અને શ્યામ બેનેગલ જેવા દિગ્દર્શક સાથે કામ કરવાનો મોકો મળમયો એ મારા માટે સન્માનની વાત છે. ફિલ્મના નિર્માણ દરમિયાન ભારતમાં મને જે માન-સન્માન મળ્યું એ માટે આભાર વ્યક્ત કરવા શબ્દો નથી. આશા છે કે દર્શકોને બંગબંધુની મારી ભૂમિકા પસંદ પડશે.
બાંગ્લા દેશના જનક મુજીબુર રહેમાન તેમની રાજકીય કારકિર્દીની શરૂઆતમાં મહાત્મા ગાંધીને મળ્યા હતા. આ દૃશ્ય ફિલ્માવવા માટે શ્યામ બેનેગલે ગાંધીજીની ભૂમિકા માટે ગુજરાતના જાણીતા કલાકાર અને ફિલ્મ સર્જક દીપક અંતાણીને પસંદ કર્યા હતા. ફિલ્મમાં દીપક અંતાણીની ગાંધીજીની નાની પણ મહત્ત્વની ભૂમિકા છે.
આજની પેઢીને કદાચ જાણકારી નહીં હોય પણ પૂર્વ પાકિસ્તાનની અવામી લીગના સ્થાપક સભ્ય શેખ મુજીબુર રહેમાનની પાર્ટી અવામી લીગને 1970ની ચૂંટણીમાં બહુમતિ મળી હોવા છતાં વડા પ્રધાન બનવા ન દીધા અને તત્કાલીન સરમુખત્યાર અયુબ ખાને તેમને જેલમાં પૂર્યા. આને પગલે શરૂ થયેલા આંદોલને પૂર્વ પાકિસ્તાનને આઝાદ કરવાની માગણીએ જોર પકડ્યું અને મુક્તિ વાહિનીએ સ્વતંત્રતાની લડત શરૂ કરી. જોકે અયુબ ખાને આઝાદીની લડત કચડી નાખવા દમન આચર્યો અને લાખો લોકોની હત્યા કરી. દરમિયાન સંજોગો એવા સર્જાયા કે ભારતે હસ્તક્ષેપ કરવો પડ્યો અને 1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધ થયું. ભારતે પાકિસ્તાનને કારમી હાર આપવાની સાથે પૂર્વ પાકિસ્તાનને મુક્ત કરાવ્યું અને બાંગ્લા દેશનો જન્મ થયો.
અતુલ તિવારી અને શમા જૈદી દ્વારા લિખિત મુજીબ – ધ મેકિંગ ઑફ અ નેશનના કલાકારો છે અરિફિન શુવો, નુસરત ઇમરોઝ, ફજલુર રહમાન બાબુ, ચંચલ ચૌધરી અને નુસરત ફારિયા.