શ્રેયસ તલપડે : મેરી તો નઈ દુકાન ખુલ ગઈ

શ્રેયસ દિગ્દર્શક તરીકેની એની બીજી ફિલ્મ સર કાર કી સેવામેં લઈને આવી રહ્યો છે

હરિહરન જે. ઐયર નિર્મિત ફિલ્મ સર કાર કી સેવા મેંનું શૂટિંગ દહિસરસ્થિત ત્રિમૂર્તિ સ્ટુડિયો ખાતે થઈ રહ્યું છે. શ્રેયસ તલપડે દિગ્દર્શિત ફિલ્મના મુખ્ય કલાકારો છે ચેતના પાંડે, શ્રદ્ધા જયસ્વાલ, સુધીર પાંડે, અનિલ ચરનજીત, નિખિલ માથુર અને શ્રેયસ તલપડે. શ્રેયસે જણાવ્યું કે, સર કાર કી સેવા મેં એક હલકી ફુલકી ફિલ્મ છે જેમાં એક સંદેશ પણ અપાયો છે. ફિલ્મ એક એવા યુવાનની વાત છે જેના પિતા હંમેશ કહેતા હોય છે કે સરકારી નોકરી કરે અને સેવા કર. પણ નોકરી મેળવવી કેવી રીતે? આખરે આજીવિકા માટે એ ટેક્સી ચલાવવાનું શરૂ કરે છે. પણ એવી ઘટનાઓ આકાર લે છે કે એની જિંદગી ધરમૂળથી બદલાઈ જાય છે.

અગાઉ સની દેઓલ અને બૉબી દેઓલ અભિનીત ફિલ્મ પોસ્ટર બૉય્ઝનું દિગ્દર્શન કરી ચુકેલો શ્રેયસ દિગ્દર્શક તરીકેની એની બીજી ફિલ્મ સર કાર કી સેવામેં લઈને આવી રહ્યો છે. પ્રસ્તુત છે રિયલ લાઇફની ઘટના પર આધારિત ફિલ્મના સેટ પર શ્રેયસ તલપડે સાથે ફિલ્મી ઍક્શન સાથે કરેલી વાતચીતના અંશ.

અભિનેતાએ દિગ્દર્શક બનવાનું કેમ વિચાર્યું? પ્રશ્નના જવાબમાં શ્રેયસ જણાવ્યું કે, હકીકતમાં મારી એક વાર્તા પરથી ફિલ્મ બનાવવા નિર્માતા સાથે વાત કરી તો તેમણે મને દિગ્દર્શન કરવાની ઑફર આપી. હું તો ખુશ થઈ ગયો કે મારી એક નવી દુકાન ખુલી ગઈ. ના પાડવાનો સવાલ જ ઊભો થતો નહોતો. કલાકારોની વાત નીકળી તો નિર્માતાએ મને જ મુખ્ય ભૂમિકા ભજવવા જણાવ્યું. આ છે સર કાર કી સેવા મેંમાં મારી અભિનેતા-દિગ્દર્શક તરીકેની એન્ટ્રીની સ્ટોરી.

ફિલ્મનું ટાઇટલ ઘણું મજેદાર છે અને એવું લાગે છે કે આ એક વ્યંગાત્મક ફિલ્મ હશે…

વાત સાચી છે. ફિલ્મમાં અમારો પરિવાર છે જેમાં હુ, મારી પત્ની (ચેતના પાંડે) અને પિતા (સુધીર પાંડે) સાથે રહીએ છીએ. પિતા હંમેશ કહેતા હોય છે કે સરકારી નોકરી કર અને સરકારની સેવા કર. પણ સરકારી નોકરી મેળવવી આસાન નથી. ઘર ચલાવવા ટેક્સી ચલાવવાનું શરૂં કરૂં છું. આ સમયગાળા દરમિયાન એવી ઘટનાઓ બને છે કે જિંદગી ધરમૂળથી બદલાઈ જાય છે.

દિગ્દર્શક શ્રેયસ અભિનેતા શ્રેયસ પાસે કેવી રીતે કામ કરાવે છે?

આ એક દુવિધાજનક પરિસ્થિતિ છે. હું બધાના સંવાદો યાદ રાખું છું પણ મારી લાઇન હોય તો આસિસ્ટંટને પૂછવું પડે કે મેરા ડાયલૉગ ક્યા હૈ. પણ જો ટીમ સારી હોય તો તેઓ તમે કોઈ ભૂલ કરતા હોય તો તુરંત તમારૂં ધ્યાન દોરે. અને હું ભાગ્યશાળી છું કે મને ઘણી સારી ટીમ મળી છે.

ફિલ્મની વાર્તા નાના શહેરમાં આકાર લેતી હોય એવું લાગે છે તો દર્શકોને આકર્ષવા તમામ પ્રકારના મસાલાની સાથે એક મેસેજ પણ આપવાની કોશિશ કરી છે?

સ્વાભાવિક છે કે દર્શકોને મોજ પડે એવી ફિલ્મ બનાવવાનો પ્રયાસ અમે કર્યો છે. થોડા વરસો પહેલા આવી ફિલ્મોને આર્ટ ફિલ્મોનું લેબલ લાગતું હતું. પણ હવે જમાનો બદલાયો છે. દર્શકો વૈવિધ્યસભર વિષયો પર બનતી ફિલ્મોને આવકારી રહ્યા છે. અગાઉ ફોર્મ્યુલા પર ફિલ્મો બનતી હતી. જો એક લવ સ્ટોરી ચાલે તો એવી બીજી પચાસ ફિલ્મો બનતી. પણ હવે કન્ટેન્ટનો જમાનો છે. દર્શકોફોર્મ્.લાને નહીં સારી વાર્તાને પસંદ કરી રહ્યા છે. થિયેટરમાં રિલીઝ થતી હોય કે ઓટીટી પર એવી ફિલ્મો જ હિટ થઈ છે જેનું કન્ટેન્ટ સારૂં હોય.

Exit mobile version