વિશ્વભરમાં ઇન્ટરનેટની બોલબાલા છે ત્યારે ભારત પણ એમાં બાકાત નથી. દેશમાં પણ ડિજિટલ ક્રાંતિના મંડાણ થઈ ચુક્યા છે ત્યારે આંત્રેપ્રેન્યોર અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ ડિજિટલ માધ્યમ થકી ફિટનેસ મંત્ર લોકો સુધી પહોંચાડવા દેશનું પહેલું ફિટનેસ ઍપ લૉન્ચ કર્યું છે.
ફિટનેસ માટે માટે જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીનું ભારતનું પહેલું સેલિબ્રિટી ફિટનેસ ઍપ 6 મે 2019 (આજ)થી iOS પર લૉન્ચ કરવામાં આવ્યું છે. જ્યારે ઍન્ડ્રોઇડ વર્ઝન 8 જૂન 2019ના લૉન્ચ કરશે. ઍપની ડિઝાઇન એ રીતે કરવામાં આવી છે કે સીધી અને સરળ રીતે ફિટનેસ જાળવી શકે. ટાર્ગેટ આધારિત પ્લાનમાં રૂટિન યોગની સાથે ડાયટ પ્લાન પણ દર્શાવવામાં આવ્યો છે.
ઍપ લૉન્ચ કર્યા બાદ શિલ્પાએ જણાવ્યું કે, મારૂં માનવું છે કે માત્ર શારીરિક કે માનસિક સુસજ્જતા જ પૂરતી નથી પણ આપણી લાઇફસ્ટાઇલ પણ સમજવી જરૂરી છે. મારી ફિટનેસના રહસ્ય અંગે ઘણા લોકો મને પ્રશ્નો પૂછતા હોય છે. તેમના સવાલો સાંભળી મને લાગ્યું કે લોકોને ફિટનેસ તો જાળવવી છે પણ તેમની પાસે પૂરતી જાણકારી નથી. એટલે મેં તમામ જાણકારી મારા ઍપ પર મુકી છે. ઍપ પર તમને મારા અનુભવો ઉપરાંત નિષ્ણાતોની સલાહ, કોઈ પણ સાધનો વિના કે જિમ્નેશિયમની મોંઘી ફી ભર્યા વગર ઘરમાં પણ તમે વર્કઆઉટ કરી શકો જેવી તમામ જાણકારી આપવામાં આવી છે.
ઍપમાં નવા નિશાળિયાઓથી લઈ એડવાન્સ કોર્સની જાણકારી અપાઈ છે. તમારા મનને પ્રફુલ્લિત અને તરોતાજા રાખવા માટે યોગ અને મેડિટેશનની પણ જાણકારી ઍપમાં આપવામાં આવી છે જેના થકી તમારી રોજિંદી તાણ ઓછી કરી શકાય.
જોકે ફિટનેસ અવેરનેસની શરૂઆત શિલ્પાએ દસ વરસ અગાઉ કરી હતી. એ સમયે અભિનેત્રીએ યોગ ડીવીડી બહાર પાડી હતી. તો ડિજિટલ ક્ષેત્રે બે વરસ અગાઉ શિલ્પાએ સ્વસ્થ રહો મસ્ત રહો અભિયાન શરૂ કર્યું હતું.
શિલ્પા શેટ્ટીના ઍપમાં 15 કરતા વધુ પ્રોગ્રામ છે જેમાં 21 દિવસમાં વજન ઘટાડવાનો પ્રોગ્રામ, પોસ્ટ પ્રેગ્નન્સી વેઇટ લૉસ પ્રોગ્રામ, રૂટિન યોગ, ઑફિસ યોગ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ કસરતો નિષ્ણાતો દ્વારા દર્શાવાયા મુજબ શિલ્પા શેટ્ટી એ કરીને બતાવી છે.