ભારતીય નારીનો એક પહેરવેશ જે સદાય દુનિયાની મહિલાઓ માટે આકર્ષણરૂપ રહ્યો છે. દેશના ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, કર્ણાટક સહિતના વિવિધ રાજ્યોની મહિલાઓ સાડી પહેરે છે. અને તમામ રાજ્યોની મહિલાઓની સાડી પહેરવાની સ્ટાઇલ અલગ છે. સાડી તો ભારતની મહિલાઓની જીવનભરની સખી જેવી છે. અને આ વાત અરુણ ગૌરીસરિયાએ તેમની કવિતા મેરી સખીમાં ખૂબ જ સુંદર રીતે વર્ણવી છે.
અરુણ ગૌરીસરિયા લિખિત મેરી સખી કવિતાથી પ્રભાવિત થયેલા ઍડ અને શોર્ટ ફિલ્મના જાણીતા દિગ્દર્શક મિહિર ઉપાધ્યાયે એજ નામે એક શોર્ટ ફિલ્મ બનાવી છે. મેરી સખીમાં સાડીની આન-બાન-શાનની સાથે દેશની સંસ્કૃતિના મહત્ત્વને દર્શાવવામાં આવ્યું છે. એટલું જ નહીં, જીવનના વિવિધ તબક્કાઓમાં સાડી મહિલાઓને સખી તરીકે કેવી રીતે સાથ આપે છે એ મિહિરે શોર્ટ ફિલ્મમાં બખૂબી બતાવ્યું છે.
મૂળ અમરેલીના મિહિર ઉપાધ્યાય તેમના મામા પાન નલિન (હૉલિવુડની અવૉર્ડ વિનિંગ ફિલ્મ સમસેરા અને ગુજરાતી ફિલ્મ છેલ્લો શો ફૅમ)ની આંગળી પકડીને આવ્યા. તેમની સાથે હૉલિવુડની ફિલ્મમાં સહાયક દિગ્દર્શક તરીકે પણ કામ કર્યું. સ્વતંત્ર દિગ્દર્શક તરીકે મિહિરે ઍડ ફિલ્મોથી શરૂઆત કરી. એ સાથે તેમણે શોર્ટ ફિલ્મો પણ બનાવી રહ્યા છે. મેરી સખી પહેલાં બનાવેલી શોર્ટ ફિલ્મને અનેક ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં અવૉર્ડ પણ મળી ચુક્યા છે.
ફિલ્મી ઍક્શન સાથેની વાતચીતમાં મિહિર ઉપાધ્યાયે જણાવ્યું કે, આપણે સાડીને એક પહેરવેશ તરીકે જોઇએ છે પણ સાડી સાથેની મહિલાની મિત્રતા તરફ ધ્યાન જતું નથી. મેરી સખી ફિલ્મમાં મેં સતયુગનાં દેવીથી લઈ આજની સામાન્ય મહિલા સુધીના જીવનમાં સાડી કેટલું મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે એ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. એટલું જ નહીં, પુરુષો પણ સાડીથી વેગળો રહી શક્યો નથી. નાનપણમાં માની સાડીનો પાલવ પકડીને ચાલવાની સાથે હાથથી લઈ ચહેરા પરનો પસીનો લૂછવા માટે કરતો. તો જીદ પૂરી કરવા પણ બાળક સાડીનો છેડો પકડી પગ પછાડતો પણ જોવા મળે છે.
મિહિરે વધુમાં જણાવ્યું કે, ફિલ્મનું શૂટિંગ અમે બારેક જેટલા રાજ્યોમાં જઈને કર્યું છે. અને એટલા માટે જ દેશની સંસ્કૃતિની ઝલક ફિલ્મમાં જોવા મળે છે. ફિલ્મમાં બૉલિવુડના જાણીતાં અભિનેત્રી શેફાલી શાહે તેમનો અવાજ આપ્યો છે.
ફિલ્મ જોવા નીચેની લિન્ક પર ક્લિક કરો