માર્વલ સિરીઝની સૌથી મોટી ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમમાં કંઇક એવું થયું જે દર્શકોએ પહેલાં કદી જોયું નહોતું. કરોડો દિલોમાં વસેલા ચુલબુલા અને નટખટ આયર્ન મૅન શહીદ થઈ ગયો. હૉલિવુડ સ્ટાર રૉબર્ટ ડાઉની જુનિયર આ પાત્ર એટલો લાંબો સમય ભજવ્યું કે અનેક દેશોના લોકો રૉબર્ટને આયર્ન મૅનના નામેજ ઓળખવા લાગ્યા હતા. હવે એવેન્જર્સ સિરીઝ બાદ રોબર્ટ પહેલીવાર એક અલગ અંદાજમાં પરદા પર જોવા મળશે.
રોબર્ટની આ ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કરાયું છે અને એમાં એ એકદમ અલગ અંદાજમાં નજરે પડી રહ્યો છે. હેર સ્ટાઇલથી લઈ એના લૂક સુદી બધું ઘણું ડિફરન્ટ છે. એની આજુબાજુમાં ચિમ્પાન્ઝી, જિરાફ, શિયાળ, પોલર બેર, ઑસ્ટ્રિચ, પોપટ અને બતક જેવા તમામ જાનવરો જોવા મળે છે. પોસ્ટર જોઈ એવું લાગે કે ફિલ્મની વાર્તા કોઈ રાણીબાગ અંગેની હશે. પણ ના, એવું નથી.
ફિલ્મની વાર્તા એક એવા શખસની છે જે જાનવરો સાથે વાત કરી શકે છે. આ ફિલ્મ 17 જાન્યુઆરી 2020ના રિલીઝ થશે. પોસ્ટર રિલીઝ સાથે એક ખાસ વાત જોવા મળી કે ફિલ્મનું નામ ધ વૉયેજ ઑફ ડૉક્ટર ડોલિટલ નક્કી કરાયું છે પણ પોસ્ટર રિલીઝના થોડા સમય અગાઉ એનું નામ બદલી ડોલિટલ કરાયું હતું.
માર્વલની સુપરહિટ ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમ બાદ રોબર્ટની આ પહેલી ફિલ્મ છે. રોબર્ટે જ માર્વેલ ફિલ્મોથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. એનું કહેવું હતું કે એ ટાઇપકાસ્ટ થવા માંગતો નથી. એ એક અભિનેતા છે અને એવું ઇચ્છે છે કે એ પણ અલગ અલગ પ્રકારના પાત્રો ભજવે. એવેન્જર્સ એન્ડગેમના સેટ પર રોબર્ટે જ્યારે છેલ્લો શોટ આપ્યો ત્યારે પૂરા યુનિટે એને તાળઈઓના ગડગડાટથી વધાવી લીધો હતો.