20 ઓગસ્ટ 1943ના મહેસાણા જિલ્લાના કનોડા ગામે જન્મેલા અને તેમના અભિનય અને સંગીતની સૂરાવલીઓથી વિશ્વભરના ગુજરાતીઓના દિલમાં વસી ગયેલા નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાની કલાને સદાય જીવંત રાખવા તેમના નામના મ્યુઝિક અવૉર્ડની શરૂઆત થઈ રહી છે. આજે તેમના જન્મદિવસના અવસરે કનોડિયા પરિવારના મોભી રતનબહેન, ગુજરાતી ફિલ્મોના સ્ટાર અને વિધાનસભ્ય હિતુ કનોડિયા, મોના થીબા, સંગીતકાર સૂરજ કનોડિયાની ઉપસ્થિતિ અને શુભાશિષથી મહાદેવ મહેશ-નરેશ મ્યુઝિક અવૉર્ડના પોસ્ટરને લૉન્ચ કરવામાં આવ્યું હતું.
મહાદેવ પ્રોડક્શન એન્ડ ઇવેન્ટના રાજકુમાર જાનીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે તેઓ પોતે પણ કનોડા ગામના વતની છે. એ સાથે તેમણે કહ્યું કે સમગ્ર દેશના ગૌરવ સમાન મહેશ-નરેશના નામને સદાય ગૂંજતું રાખવાનો અમારો આ નમ્ર પ્રયાસ રહેશે.
રાજકુમારે અવૉર્ડ વિશે જણાવતા કહ્યું કે, ગુજરાતના ઇતિહાસમાં આ પહેલો અવૉર્ડ હશે જેમાં ફિલ્મ સંગીત ઉપરાંત શાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત, લોક સંગીત, ઓર્કેષ્ટ્રા, વિવિધ પ્રદેશનાં આલ્બમ, મુંબઈ-ગુજરાતના નાટકો, ટીવી સિરિયલ વગેરે તમામ સાથે સંકળાયેલ સંગીતની વિવિધ કેટેગરીને આવરી લેવાશે.
આ પ્રસંગે ઇવેન્ટની પરિકલ્પના કરનાર દીપક અંતાણી, શુભેચ્છક ગાયક અરવિંદ વેગડા, પ્રકાશ જાડાવાલા, સુનીલ સુથાર, ધવલ સોની સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મ્યુઝિક અવૉર્ડ સાથે મહેશ-નરેશનું નામ જોડાવાથી તેમનું નામ સંગીતની દુનિયામાં સદાય ગૂંજતું રહેશે એમ હિતુ કનોડિયાએ જણાવ્યું હતું. એ સાથે તેમણે આયોજકોને શુભેચ્છા આપતા કહ્યું કે આ અવૉર્ડ ગીત-સંગીત ક્ષેત્રના અનેક કલાકારોને પ્રોત્સાહન પૂરૂં પાડશે.