ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની ચર્ચા આજકાલ ચારેકોર ચાલી રહી છે. રોજેરોજ ફિલ્મ વિશેના સમાચાર અખબારથી લઈ રાષ્ટ્રીય ન્યુઝ ચૅનલો પર આવતા રહે છે. બૉક્સ ઑફિસ પર પણ કલેક્શનના રેકૉરેડ કરી રહેલી ફિલ્મનું દિગ્દર્શન વિવેક અગ્નિહોત્રીએ કર્યું છે. વિવેક જાણીતી અભિનેત્રી પલ્લવી જોશીના પતિ છે. પલ્લવીએ પણ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. બૉલિવુડનું જાણે મેડ ફૉર ઇચ અધર કપલ છે.
ધ કાશ્મીર ફાઇલ્સમાં વિવેક અગ્નિહોત્રીએ બત્રીસ વરસ પહેલા કાશ્મીરના મૂળ વતનીઓ કાશ્મીરી પંડિતો પર કરાયેલા અત્યાચાર અને એને પગલે તેમણે કાશ્મીર છોડવું પડ્યું એની વાત આલેખી છે. કાશ્મીર ફાઇલ્સ અગાઉ વિવેકે વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના રહસ્યમય સંજોગોમાં થયેલા મૃત્યુ પર આધારિત ફિલ્મ ધ તાશ્કદ ફાઇલ્સ બનાવી હતી.
પલ્લવી જોશીએક પ્રતિભાશાળી અભિનેત્રી છે અને એને બે વખત રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યા છે. પલ્લવી અને વિવેકે 1997માં લગ્ન કર્યાં હતાં. વિવેકે અત્યાર સુધીમાં તાશ્કદ ફાઇલ્સ, બુદ્ધ ઇન ટ્રાફિક જૅમ અને ચૉકલેટ : ડીપ ડાર્ક સિક્રેટ જેવા અલગ ઝોનની ફિલ્મો બનાવી છે. તો પલ્લવીએ મિસ્ટર યોગી, ભારત એક ખોજ, અલ્પવિરામ, જુસ્તજુ જેવી લોકપ્રિય સિરિયલો ઉપરાંત વો છોકરી, ધ મેકિંગ ઑફ મહાત્મા અને સૂરજ કા સાતવા ઘોડા જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પલ્લવીએ તાશ્કદ ફાઇલ્સ, બુદ્ધ ઇન ટ્રાફિક જૅમ અને કાશ્મીર ફાઇલ્સ ફિલ્મમાં કામ કર્યુ છે.
જોકે પલ્લવી અને વિવેક પહેલીવાર કોઈ ફિલ્મના સેટ પર નહીં પણ એક રૉક કૉન્સર્ટમાં મળ્યા હતા. ત્યાર બાદ તેમની લવ સ્ટોરીની શરૂઆત થઈ હતી. બંનેની મુલાકાત અને ત્યાર બાદ તેમની લવ સ્ટોરી અંગે વિવેકે એક મુલાકાતમાં ખુલ્લા દિલે વાત કરી હતી. વિવેકે કહ્યું હતું કે, 90ના દાયકામાં અમારા એક કૉમન ફ્રેન્ડને કારણે મારી અને પલ્લવીની મુલાકાત થઈ.
ધ કાશ્મીર ફાઇલ્સની રિલીઝ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત
અમે જ્યારે મળ્યા ત્યારે પલ્લવી વિશે હું કંઈ જાણતો નહોતો. પરંતુ અમારી મુલાકાત થઈ ત્યારે અમારા અમુક વિચારો મળતા હતા. જેમ કે અમે જે કૉન્સર્ટમાં ગયા હતા એ એકદમ કંટાળાજનક હતી. ત્યાર બાદ અમે અવારનવાર મળતા રહ્યા. આખરે અમે 28 જૂન, 1997ના અમે લગ્ન કર્યાં. આજે વિવેક-પલ્લવી બે સંતાનોના પિતા છે.
ધ કાશ્મીર ફાઇલ્સની સફળતાની ઉજવણી
લગ્નજીવનની સાથે પલ્લવી અને વિવેકે અનેક પ્રોજેક્ટમાં સાથે કામ કર્યું છે. અનમે એટલા માટે જ અમારી વચ્ચેના સંબંધો વધુ ગાઢ બન્યા છે એમ વિવેકે જણાવ્યું. એ સાથે તેણે ઉમેર્યું કે અમને એકબીજાની ક્ષમતાની પૂર્ણપણે જાણકારી હોવાથી એકબીજાના કામની સાથે એકબીજાનો આદર પણ કરીએ છીએ.