ઓરિજિનલ સિંઘમ… મુદ્દુ બાબુ ‘શેટ્ટી’

હીરો તરીકે શેટ્ટીની એક માત્ર ફિલ્મ શરૂ થઈ હતી તુમ સલામત રહો, જેની હીરોઇન હતી પર્સીસ ખંબાતા

જન્મદિવસે બૉલિવુડના વિખ્યાત ફાઇટ માસ્ટરને એક મેરેથોન આદરાંજલિ

કરિયરની શરૂઆત ઢાબામાં કામ કરવાથી લઈ કેન્ટીનમાં વેઇટર તરીકે કામ કર્યા બાદ બૉલિવુડના ટોચના ફાઇટ માસ્ટર-ખતરનાક વિલન બનવા સુધીની શેટ્ટીની સફર

પરદા પર મજબૂત શરીર, લોહી તરસી આંખો અને ચહેરા પરના ગંભીર ભાવ, શેટ્ટીને યાદ કરતા નજર સમક્ષ આવો ચહેરો તરી આવે. તેઓ ગંજા શેટ્ટી તરીકે વિખ્યાત હતા. સિત્તેરના દાયકામાં તેમના વગર એક ફાઇટ સીન પૂરો થતો નહીં. પણ શેટ્ટીએ પરદા પાછળ જેટલું કામ કર્યું એના કરતા વધુ પરદા પર કર્યું હતું. તેમના સમયના સૌથી વ્યસ્ત અને સૌથી સફળ ફાઇટ અને સ્ટંટ ડિરેક્ટર હતા. તેમણે પચીસ વરસની કરિયરમાં 700થી વધુ ફિલ્મો સાથે સંકળાયેલા હતા, જે એક રેકૉર્ડ કહી શકાય. એચલું જ નહીં, આટલા વરસો દરમિયાન સ્ટંટ કરતા ચાલીસથી વધુવાર ફ્રેક્ચર થયા હતા.

કર્ણાટકના મેંગલોર ખાતે એક ગરીબ ખેડૂતને ત્યાં જન્મેલા મુદ્દુ બાબુ શેટ્ટીને ભણતર સાથે છત્તીસનો આંકડો. ખેડૂત પિતાને ચિંતા થતી કે સુદ્દુ મોટો થઈ કરશે શું? એટલે એ થોડી કમાણી કરે અને ઘરમાં સહાયરૂપ બને એ માટે નવ વરસના મુદ્દુને કાકા સાથે મુંબઈ મોકલી આપ્યો. આ વાત 1947ની છે. મુંબઈ આવ્યા બાદ થોડા સમયમાં શેટ્ટીને ગ્રાન્ટ રોડ સ્થિત લેમિંગ્ટન રોડ પર આવેલા પંજાબી ઢાબામાં વાસણ ધોવાની નોકરી મળી.

વિલન એક ચહેરા અનેક

થોડા વરસો અહીં કામ કર્યા બાદ શેટ્ટીને શિવરીમાં આવેલી તાતા ઑઇલ મિલની કેન્ટિનમાં વેઇટરની નોકરી મળી. મહિનાનો પગાર હતો બાર રૂપિયા. આ નોકરી બાદ તેમનું નસીબ ખીલવાનું હતું. તાતા મિલમાં સાંજે મિલના કર્મચારીઓ બૉક્સિંગ કરતા. શેટ્ટીએ પણ બૉક્સિંગ શીખવાનું શરૂ કર્યું. કેન્ટીનના મેનેજર મુદ્દુના વ્યવહાર અને બૉક્સિંગની રિંગની ચપળતાની પ્રશંસા કરતા હતા. તેમણે જ મુદ્દુને બૉક્સિંગ માટે પ્રોત્સાહન આપ્યું. એનું પરિણામ જોવા મળ્યું, મુદ્દુએ તાતા ઑઇલ મિલની બૉક્સિંગ ચેમ્પિયનશિપ જીતી લીધી. બીજા જ વરસે મુદ્દુ મુંબઈનો બૉક્સિંગ ચેમ્પિયન બન્યો. એ સમયે બૉકિસંગ ચેમ્પિયનનો પગાર હતો 75 રૂપિયા. મુદ્દુની થઈ રહેલી પ્રગતિથી એના પિતા ખુશ હતા.

અશોક કુમાર અને પ્રાણ સાથે શેટ્ટી

મુદ્દુની આવી જ એક બૉક્સિંગની ચેમ્પિયનશિપની મેચ જોવા સ્ટંટમેન બાબુરાવ પહેલવાન અને અભિનેતા-નિર્માતા-દિગ્દર્શક ભગવાન આવ્યા. મુદ્દુની ફાઇટ જોઈ બાબુરાવ એટલા પ્રભાવિત થયા કે તેમણે ફિલ્મોમનાં કામ કરવાની ઑફર કરી. બીજા દિવસે મુદ્દુ જાગૃતિ સ્ટુડિયો પહોંચ્યા જ્યાં મુદ્દુ બાબુ અને બાબુરાવ પહેલવાન વચ્ચેની ફાઇટનો સીન ફિલ્માવવામાં આવ્યો. આ કામ માટે મુદ્દુને બસો રૂપિયા મળ્યો. મુદ્દુને વિશ્વાસ નહોતો થતો કે એક ફાઇટ માટે આટલા બધા રૂપિયા! મુદ્દુએ એ સમયે ફિલ્મોમાં કામ કરવાનો નિર્ણય લીધો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મળ્યો બેસ્ટ ફાઇટ માસ્ટર અને ખતરનાક વિલન.

અમિતાભ બચ્ચન સાથે ડૉનમાં

મુદ્દુ બાબુ શેટ્ટીએએ સમયના વિખ્યાત ફાઇટ માસ્ચર અઝીમભાઈને તેમના ગુરુ બનાવ્યા. અઝીમભાઈના માર્ગદર્શનમાં તેમણે ઘોડેસવારી, તલવારબાજી શીખ્યા. એ સાથે તેમણે ફિલ્મો માટે માત્ર શેટ્ટી નામ રાખ્યું. આ સમયગાળા દરમિયાન બૉક્સિંગ મેચોમાં પણ ભાગ લેવાનું ચાલું રાખ્યું અને સતત આઠ વરસ સુધી મુંબઈના ચેમ્પિયન રહ્યા.

1950ના દાયકામાં તેમણે અનેક કલાકારોના ડમી તરીકે કામ કર્યું. 1955માં તેમને મુનિમજી ફિલ્મથી સ્ટંટ ડિરેક્ટર તરીકે કામ કરવાનો મોકો મળ્યો. અને એજ વરસે તાતાર કા ચોરમાં કામ પણ કર્યું. ત્યાર બાદ તુમસા નહીં દેખા, ડિટેક્ટિવ, ટેક્સી સ્ટેન્ડ, કેદી નં. 911 જેવી ફિલ્મોમાં અભિનય કર્યો. અઝીમભાઈ, માસ્ટર ગની, બાબુરાવ પહેલવાન અને માસ્ટર સૅન્ડો જેવા જાણીતા સ્ટંટ ડિરેક્ટરના સમયગાળા દરમિયાન યુવાન શેટ્ટીએ આગવી પ્રતિભા દાખવી સ્ટંટમેન અને ડિરેક્ટર તરીકે નિર્માતાઓ પર આગવી છાપ છોડી હતી.

શત્રુઘ્નના સકંજામાં શેટ્ટી

પચાસના દાયકાના પ્રેમનાથ, પ્રદીપ કુમાર જેવા કલાકારોના ડુપ્લિકેટ તરીકે કામ કરતા શેટ્ટીની પ્રતિભા, તનતોડ મહેનત કરતા અને કલ્પનાશીલ ડુપ્લિકેટને પ્રાણે જોયો. તેમણે મુનીમજીના સર્જક સુબોધ મુખર્જીને શેટ્ના નામની ભલામણ કરી. એટલું જ નહીં, શેટ્ટીને બ્રેક મળે એ માટે સુબોધ મુખર્જીને સમજાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આમ 1957માં આવેલી દેવ આનંદ અને નલિની જયવંત અભિનીત મુનીમજી ફિલ્મમાં શેટ્ટીને મેજર બ્રેક મળ્યો.

તેમની લોકપ્રિયતા એટલી હતી કે તેમને હીરો તરીકે એક ફિલ્મ તુમ સલામત રહો શરૂ કરવામાં આવી. તમને જાણીને નવાઈ લાગશે પણ તેમની હીરોઇન હતી મિસ યુનિવર્સ બનેલી પર્સીસ ખંબાતા. જોકે અમુક કારણોસર ફિલ્મને છ રીલ શૂટ થયા બાદ અભેરાઈએ ચડાવવી પડી.

શેટ્ટી સાથે મૌસમી ચેટર્જીની મજાકમસ્તી

1960 બાદ તો શેટ્ટી પાસે ફિલ્મોની ઑફરસ્ના ઢગલા હતા. શેટ્ટીએ પહેલીવાર એન ઇવનિંગ ઇન પેરિસ અને નાઇટ ઇન લંડન માટે ટકો કરાવ્યો. દર્શકોને શેટ્ટીનો આ લૂક એટલો પસંદ પડ્યો કે તેમણે ટકલું રહેવાનું નક્કી કર્યું. એ સાથે દર્શકોમાં તેમની ઓળખ ગંજા શેટ્ટી તરીકે પણ થવા લાગી. શેટ્ટીના હિન્દી ઉચ્ચારણો નબળા હોવાને કારણે મુખ્ય વિલનની ભૂમિકા મળી નહીં. પણ એક સમય હતો જ્યારે તેઓ એક સાથે 50-60 ફિલ્મોમાં કામ કરતા.

પરદા પર ખૂંખાર દેખાતો વિલન શેટ્ટી રિયલ લાઇફમાં એકદમ નરમદિલ ઇન્સાન હતો. 1980માં આવેલી નિર્માત-દિગ્દર્શક બ્રિજની બૉમ્બે 406ના શૂટિંગ દરમિયાન એક ખતરનાક સ્ટંટ ફિલ્માવવાનો હતો શત્રુઘ્ન સિંહાના ડબલ તરીકે જુનિયર સ્ટંટમેન મન્સુર આ સ્ટંટ કરવાનો હતો. પેટ્રોલ બૉમ્બ ફૂટે એ પહેલા એણે કુદીને જવાનું હતું. પણ દુર્ભાગ્યે એ કુદકો માર્યો એ સમયે જ બૉમ્બ ફૂટ્યો અને એ મૃત્યુ પામ્યો. આનો આઘાત શેટ્ટીને એટલો લાગ્યો કે એ દારૂના રવાડે ચડી ગયા. જોકે દારૂ સિવાય તેમંને બીજી કોઈ ખરાબ આદત નહોતી.

શેટ્ટી… રોહિત શેટ્ટી

દારૂનો અતિરેક અને સ્ટંટ દરમિયાન અનેકવાર ભાંગેલા હાડકા હવે સાથ આપતા નહોતા. આને કારણે સાવ નંખાઈ ગયેલા શેટ્ટીનું 23 જાન્યુઆરી 1982માં અવસાન થયું.

જોકે અવસાન પહેલાં હંમેશ દીવારની ગોડાઉનવાળી અમિતાભ સાથેની ફાઇટ અને કહાની કિસ્મત કીમાં ઘોડારમાં ધર્મેન્દ્ર સાથે કરેલા યાદગાર સ્ટંટ દૃશ્યો વિશે વાત કરતા.

શેટ્ટીએ બે લગ્ન કર્યાં હતા. પહેલી પત્નીનું નામ વિનોદિની હતું જેઓ જાણીતાં કથ્થ ડાન્સર હતાં. તેમના બે પુત્રો ઉદય શેટ્ટી (નિર્માતા) અને હૃદય શેટ્ટી (નિર્માતા-દિગ્દર્શક) છે.

તો બીજાં પત્ની રત્ના સ્ટંટ વુમન હતાં. અને તેમનો દીકરો એટલે જાણીતા નિર્માતા-દિગ્દર્શક રોહિત શેટ્ટી.

Exit mobile version