ગુજરાતી સિનેમા પ્રીમિયર લીગ નામ સાંભળી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકાર-કસબીઓ વચ્ચે યોજાનારી મર્યાદિત ઓવરની મેચનું આયોજન થઈ રહ્યુ હોવાનું જો તમે વિચારી રહ્યા હો તો તમે ખોટા છો. આ એક એવી પ્રીમિયર લીગ છે જેમાં ફિલ્મના નિર્માતા જે આઠ લીગ બનાવવામાં આવી છે ત્યાંથી કલાકાર કસબી ખરીદી ગુજરાતીમાં વીસ મિનિટની સંદેશાત્મક ફિલ્મ બનાવશે. આ સ્પર્ધા ચાર રાઉન્ડમાં થશે અને એમાં જે વિજેતા બનનારા સર્જકને નવાજવામાં આવશે.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને આરોહી પટેલ પણ આ ઇવેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પ્રીમિયર લીગમાં ભાગ લેનાર દરેક ટીમને પ્રોત્સાહન આપશે.
જીસીપીએલના વિચારને સાર્થક કરવા વિપુલ જાંબુચા અને તૃપ્તિ જાંબુચા અને તેમની એઇટ આઇસ પ્રોડક્શનની ટીમ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. જાંબુચા દંપતિની મહેચ્છા ગુજરાતી ફીચર ફિલ્મોની સાથે શોર્ટ ફિલ્મને પણ નવી દિશા આપવાનો છે.
ગુજરાતી સિનેમા પ્રીમિયર લીગ માટે તેમણે આઠ ટીમ બનાવી છે. જેમાં અમદાવાદ : અમે અમદાવાદી, વડોદરા : વર્સેટાઇલ વડોદરા, કચ્છ : કિંગ્સ ઓફ કચ્છ, ભાવનગર : ભાવભીનું ભાવનગર, જામનગર : જોરદાર જામનગર, રાજકોટ : રંગીલું રાજકોટ, સુરત: સુપરસ્ટાર સુરત, મહેસાણા : મનમોજી મહેસાણાનો સમાવેશ થાય છે. આ ઇવેન્ટ ચાર મહિના ચાલશે. જીસીપીએલની આ પહેલી સીઝન છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારની ઇવેન્ટ યોજવાનું પ્લાનિંગ છે.
આ કાર્યક્રમની રૂપરેખાની જાણકારી આપવા 22 ડિસેમ્બર, 2021ના એક મેગા ઇવેન્ટનું આયોજન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજોની ઉપસ્થિતિમાં કરાશે.