દેશમાં અસહિષ્ણુતા જેવું કંઇ જ નથી : જૈગમ ઇમામ

દોજખ – સર્ચ ઇન હેવન અને આલિફ જેવી ફિલ્મો થકી પોતાની આગવી ઓળખ બનાવનાર પત્રકારમાંથી દિગ્દર્શક બનેલા જૈગમ ઇમામની આગામી ફિલ્મ નક્કાશનું ટ્રેલર બૉલિવુડના જાણીતા સર્જક તિગ્માંશુ ધુલિયાની ઉપસ્થિતિમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે દિગ્દર્શક જૈગમ ઇમામે જણાવ્યું હતું કે ફિલ્મમાં ઘૃણા છોડી શાંતિ અને પ્રેમના માર્ગે ચાલવાનો સંદેશ આપવાનો પ્રયાસ કરાયો છે. ઈશ્વર અને અલ્લાહ એક જ છે. પરંતુ મનુષ્ય માટે કર્મ એ જ એનો ભગવાન છે એટલે પૂરી લગનથી કર્મમાં ગૂંથાયેલા રહો. ફિલ્મમાં પણ અમે આ વાત દર્શાવી છે. ફિલ્મની પૃષ્ઠભૂમિ બનારસ છે.

નક્કાશ એક કલાકાર અલ્લારખા સિદ્દીકીની વાત છે. મુસ્લિમ હોવા છતાં એ મંદિરમાં નકશીકામની સાથે ભગવાનની મૂર્તિઓ ઘડવાનું કામ કરે છે. મંદિરમાં કામ કરતો હોવાથી એના સમાજના લોકો એની ઉપેક્ષા કરતા હોય છે. જોકે અલ્લારખ્ખાનું માનવું છે કે ભગવાન અને અલ્લાહ ભાઇઓ છે. અલ્લારખાનો મોહમ્મદ નામનો પુત્ર ભણવા માંગે છે પણ કોઈ મદરેસા એને ઍડમિશન આપતી નથી. કારણ એનો પિતા હિન્દુઓ અને એમના ભગવાનની સેવા કરે છે. જે મંદિરના ટ્રસ્ટી ભગવાનદાસ ત્રિપાઠી હંમેશ અલ્લારખાને ટેકો આપતા હોય છે. તેમનું માનવું છે કેકલા એ ઇશ્વરની દેન છે. દરમ્યાન અલ્લારખાના ઘરમાં નકશીકામ માટે રાખવામાં આવેલા દાગીનાની ચોરી થાય છે. તો બીજી બાજુ અલ્લારખાએ એક અખબારી મુલાકાત આપ્યા બાદ એ લોકપ્રિય બને છે. પણ એ મુલાકાતને કારણે ટ્રસ્ટીના પુત્રને ચૂંટણી પત્તુ કપાઈ જતા બદલો લેવા માંગે છે.

ફિલ્મના દિગ્દર્શક જૈગમ ઇમામનું કહેવું છે કે દેશમાં હિન્દુ-મુસ્લિમો વચ્ચે વૈમનસ્ય જેવું કંઇ નથી. આ બધું રાજકારણ છે. હું છાતી ઠોકીને કહીશ કે દેશમાં અસહિષ્ણુતા જેવું કંઇ નથી. આટલા વરસોમાં મને કદી કડવો અનુભવ થયો નથી કે મેં કદી ધાર્મિક ભેદભાવનો અનુભવ કર્યો નથી.

એ. બી. ઇન્ફોસોફ્ટ ક્રિએશન, જલસા પિક્ચર્સ અને પદ્મજા પ્રોડક્શન બેનર હેઠળ બનેલી નક્કાશના નિર્માતા છે પવન તિવારી, ગોવિંદ ગોયલ અને જૈગમ ઇમામ, કલાકારો છે ઇનામુલ હક, શારિબ હાશ્મી, કુમુદ મિશ્રા, રાજેશ શર્મા, ગુલ્કી જોશી, પવન તિવારી, હરમિન્દર સિંહ અલગ, સિદ્ધાર્થ ભારદ્વાજ, શોભના ભારદ્વાજ, અનિલ રસ્તોગી તથા અન્યો. ફિલ્મ 31 મે 2019ના રિલીઝ થઈ રહી છે.

Exit mobile version