મરાઠી થિયેટરથી કરિયરની શરૂઆત કરનાર મનોજ જોશી છેલ્લા બે દાયકાથી તેમના પર્ફોર્મન્સ થકી દર્શકોના દિલ જીતી રહ્યા છે. ૩ સપ્ટેમ્બર ૧૯૬૫ના ગુજરાતના હિંમતનગરમાં જન્મેલા મનોજ જોશીએ મુંબઈને તેમનું કાર્યક્ષેત્ર બનાવ્યું અને મરાઠી રંગભૂમિથી અભિનયની કરિયર શરૂ કરી. તો બોલિવુડની સફર આમિર ખાન સ્ટારર ફિલ્મ સરફરોશથી કરી હતી. સરફરોશમાં આમિર ખાન, નસીરૂદ્દીન શાહ જેવા કલાકારો વચ્ચે પણ પોતાની આગવી ઓળખ બનાવી. હેરાફેરીનું તેમનું પર્ફોર્મન્સ આજે પણ દર્શકો ભૂલ્યા નથી. એ પછી તો ચુપ ચુપ કે, ગોલમાલ, ભૂલભૂલૈયાથી લઈ છેલ્લે રિલીઝ થયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકમાં અમિત શાહનું પાત્ર તેમણે ભજવ્યું હતું. ટેલિવિઝનમાં પણ અનેક સિરિયલો કરી જેમાં એક મહલ હો સપનાં કા, ચક્રવર્તી સમ્રાટ અશોક જેવી સિરિયલ ઉલ્લેખનીય છે.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ફરી ગોલ્ડન પિરિયડ શરૂ થાય એ માટે પણ અથાક પ્રયાસો શરૂ કર્યા. ઢોલિવુડની અનેક ફિલ્મો કરવા ઉપરાંત ફિલ્મનું પણ નિર્માણ કર્યું હતું.
ભારતીય ફિલ્મો ઉપરાંત થિયેટરમાં આપેલા મહત્ત્વના યોગદાન બદલ ભારત સરકારે પદ્મશ્રી આપી તેમનું બહુમાન કર્યું હતું.