ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી રહેલા યુવા સર્જકો આજની પેઢીને આકર્ષે એવા વિવિધ વિષયો ધરાવતી ફિલ્મો બનાવી રહ્યા છે. એટલું જ નહીં, હિન્દી ફિલ્મોની જેમ ગુજરાતી ફિલ્મોના શૂટિંગ પણ વિવિધ દેશોમાં થઈ રહ્યા છે. આવી જ એક ફિલ્મ છે માનસ શાહ અભિનીત શોર્ટકટ બન્યો લૉન્ગકટ. ફિલ્મનું શૂટિંગ ગુજરાતમાં અમદાવાદ, રાજસ્થાનના જેસલમેર ઉપરાંત દુબઈ અને સર્બિયા (બેલગ્રેડ) ખાતે કરવામાં આવ્યું છે.
ફિલ્મ અંગે જણાવતા માનસ શાહે ફિલ્મી ઍક્શનને જણાવ્યું કે, શોર્ટકટ પડ્યો લૉન્ગકટમાં એના પાત્રનું નામ માનસ જ છે. જોકે ફિલ્મી માનસ અને રિયલ માનસના વ્યક્તિત્વમાં ઘણો ફરક છે. માનસ કહે છે કે મારા ફિલ્મા પાત્રના બે પાસાં છે. એક તો માતા-પિતા સાથેના સંબંધો અને બીજું પાસું છે એની રોમાન્ટિક લાઇફ. જોકે એનો વ્યવહાર ઘણો અપરિપક્વ છે અને બધા નિર્ણયો લાગણીમાં આવીને લેતો હોય છે. આને કારણે ઘણી મુસીબતોનો સામનો કરવો પડે છે. જોકે રિયલ લાઇફમાં હું કદી લાગણીમાં તણાતો નથી અને ઉતાવળે નિર્ણયો લેતો નથી. એક મજાની વાત કહું તો રીલ અને રિયલ લાઇફમાં જ્યારે પ્રેમની વાત આવે ત્યારે માનસે જો કોઈ વાયદો કર્યો હોય તો એ નિભાવ્યા વગર રહેતો નથી. જીવનસાથીને જો કોઈ વાયદો કર્યો હોય તો એ પૂરો કરવામાં પાછી પાની કરતો નથી. માત્ર લવ લાઇફમાં બંને માનસ સરખા છે બાકી બંને વચ્ચે ઉત્તર-દક્ષિણ જેટલું અંતર છે.
શોર્ટકટ બન્યો લૉન્ગકટ વિશે જણાવતા માનસે જણાવ્યું કે, ફિલ્મમાં એક સંદેશ પણ છે. ફિલ્મના નામ પરથી જ ખ્યાલ આવશે કે શોર્ટકટ હંમેશા લાંબા ગાળે નુકસાન કરતો હોય છે. આપણને લાંબો રસ્તો શરૂઆતમાં મુશ્કેલ લાગી શકે છે પણ એ યાત્રા સફળતા તરફ દોરી જાય છે.
શોર્ટકટ પડ્યો લૉન્ગકટનું હાલ પોસ્ટ પ્રોડક્શન ચાલી રહ્યું છે અને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં રિલીઝ થાય એવી શક્યતા છે.
ગુજરાતી ફિલ્મ ઉપરાંત બુરારી કાંડ પર આધારિત સિરીઝ બુરારી રિવિઝિટેડથી ઓટીટી ડેબ્યુ કરી રહ્યો છું. અત્યાર સુધી આ વિષય પર આવેલી સિરીઝમાં એ સમયે શું બન્યું એના પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જોકે બુરારી રિવિઝિટેડમાં એ સમયે શું બન્યું એની નહીં પણ શબ મળ્યા બાદ શું થયું, કેસની તપાસ, પૂછપરછ, કાનૂની ઘટનાક્રમ અને અંતિમ ચુકાદા સુધીની વાત આલેખવામાં આવશે. સિરીઝમાં મારી ભૂમિકા પેરાનોર્મલ એક્ટિવિસ્ટની છે. મારા માટે આ એક અદભુત અનુભવ હતો. સિરીઝની રિલીઝની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
આ સિવાય ઓર એક ગુજરાતી ફિલ્મ કરી રહ્યું છું જેનું શૂટિંગ બર્મિંગહામ ખાતે થઈ શકે છે એમ માનસ શાહે સમાપન કરતા જણાવ્યું હતું.