મલઈકા અરોરાની કારને પુણે એક્સપ્રેસ વે પર પનવેલ ખાતે અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ઇજા પામેલી મલઈકાને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકર્તાઓએ એને નજીકની એપોલો હોસ્પિટલમાં લઈ ગયી હતી. હકીકતમાં રાજ ઠાકરેની સભામાં હાજરી આપવા મુંબઈ આવી રહેલા મનસેના કાર્યકર્તાઓ બસમાં આવી રહ્યા હતા. અકસ્માતનો જે વિડિયો આવ્યો છે એમાં ત્રણ કાર એકબીજા સાથે ભટકાઈ હોવાનું જણાઈ રહ્યુ છે. એમાં મનસેની કારને પણ નુકસાન પહોંચ્યું હોવાનું જણાય છે. જોકે અકસ્માત બાદ મલઈકા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
અકસ્માત અંગે પોલીસે તપાસ હાથ ધરી છે અને પૂરી તપાસ થયા બાદ એફઆઈઆર નોંધવામાં આવશે. મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર થયેલો અકસ્માત એટલો ભયાનક હતો કે મલઈકા અરોરાની રેન્જ રૉવર કારના પાછળના તમામ કાચ ફૂટી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
મલઈકાને હાલ એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે જ્યાં એનું સિટી સ્કૅન કરવામાં આવ્યું હોવાનું અને આગામી થોડા કલાકો એને ઑબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે એમ જાણવા મળ્યુ છે. જોકે મલઈકાને કેટલી ઈજા થઈ છે એ ચોક્કસપણે જાણી શકાયું નથી. જોકે વિડિયોમાં મલઈકાએ એના માથા પાસે ઓશિકું રાખ્યું હોવાથી એના માથા પર ઇજા થઈ હોલાનું લાગી રહ્યુ છે. નજરે જોનારાના જણાવ્યા મુજબ ખાલાપુર ટોલ નાકા પાસે અચાનક બ્રેક મારવાથી ત્રણ વાહનો એક બીજા સાથે ભટકાયા હતા. જોકે અકસ્માતમાં મલઈકાના ડ્રાઇવર અને બૉડી ગાર્ડને કોઈ ઇજા થઈ નથી. મલઈકા એક ફૅશનની ઇવેન્ટમાં ભાગ લેવા જઈ રહી હતી.