સેલ્ફમેડ મેકઅપ આર્ટિસ્ટ ધનલક્ષ્મી ત્રિવેદી

દર્શકો થિયેટરના પરદા પર ફિલ્મ જોયા બાદ એના કલાકારો પર પ્રશંસાના ફૂલો વરસાવતા હોય છે. પરંતુ ફિલ્મની શરૂઆત થાય ત્યાંથી એ રિલીઝ થાય એ દરમ્યાન પરદા પાછળના અનેક કસબીઓ પણ દિવસ-રાત એક કરતા હોય છે. ફિલ્મોમાં કલાકારો જેટલું જ મહત્ત્વ કેમેરામેન, ફાઇટ માસ્ટર, કથા-પટકથા લેખક, કૉરિયોગ્રાફરની સાથે મેકઅપ આર્ટિસ્ટનું પણ હોય છે. મેકઅપ આર્ટિસ્ટનું કામ માત્ર સુંદર દેખાતા કલાકારને અતિસુંદર બનાવવાનું જ નથી હોતું. પરંતુ પાત્રને અનુરૂપ ગેટઅપ આપવાનું પણ હોય છે. જેમકે 102 નોટઆઉટમાં અમિતાભ અને રિશી કપૂરનો લૂક હોય કે પદ્માવતમાં રણવીર સિંહનો અલ્લાઉદ્દીન ખિલજી. મેકઅપ આર્ટિસ્ટ પાત્રને અનુરૂપ લૂક આપવામાં માહેર હોય છે. ફિલ્મો પછી હિન્દી હોય કે પ્રાદેશિક, મેકઅપ મેનનું મહત્ત્વ એટલું જ હોય છે.

આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પણ મેકઅપ આર્ટિસ્ટ તરીકે આગવું સ્થાન ધરાવતી ધનલક્ષ્મી ત્રિવેદી એવી કલાકાર છે જેણે મેકઅપ અંગેની કોઇ વિધિવત તાલીમ લીધી નથી. સ્વબળે ઇન્ડસ્ટ્રીમાં ટોચના સ્થાને પહોંચેલી ધનલક્ષ્મી ત્રિવેદી માત્ર સીધાસાદા મેકઅપ જ નથી કરતા પરંતુ આજે જેનું ચલણ વધુ છે એવા પ્રોસ્થેટિક મેકઅપ (જેમકે 2.0માં અક્ષયકુમાર, પદ્માવતનો રણવીર સિંહ, 102 નોટઆઉટમાં અમિતાભ બચ્ચન અને રિશી કપૂર)માં પણ માહેર છે. ફિલ્મી ઍક્શન સાથેની વાતચીતમાં ધનલક્ષ્મી ત્રિવેદીએ આ સ્થાને પહોંચવા માટે કરેલી સ્ટ્રગલની સાથે જીવનના સંઘર્ષની પણ વાત કરી હતી.

સાધારણ પરિવારમાં જન્મેલી ધનલક્ષ્મીના પરિવારમાં કોઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નહોતો. પરંતુ સંજોગો એવા સર્જાયા કે એ આ ફિલ્ડમાં આવી અને સ્વબળે ટોચના સ્થાન પર પહોંચી. ધનલક્ષ્મી કહે છે કે બાળપણ અત્યંત ગરીબીમાં વીત્યું હતું તો લગ્ન બાદ પણ પરિસ્થિતિમાં ખાસ ફરક પડ્યો નહોતો. ગુજરાન ચલાવવા જે કામ મળે એ કરતી. પછી કોઈને ત્યાં વાસણ-કપડાં ધોવાના હોય કે શાકભાજીની ફેરી. મારા માટે કોઈ કામ નાનું નહોતું, પણ મનમાં ગાંઠ વાળી હતી કે ભલે સૂકો રોટલો ખાવો પડે પણ સ્વમાનભેર જીવવું.

પરિવારમાં કોઈ આ ફિલ્ડમાં નહોતું તો તમારી એન્ટ્રી કેવી રીતે થઈ પ્રશ્નના જવાબમાં ધનલક્ષ્મી કહે છે કે મને પહેલેથી શણગારનો શોખ હતો અને જ્યારે પણ મોકો મળે ત્યારે અડોશપડોશના લોકોને કોઈ પ્રસંગ હોય ત્યારે મેકઅપ કરવા પહોંચી જતી. બાળકોની કોઈ ઇવેન્ટ હોય તો તેમને મેકઅપ કરી આપતી. એ સમયે મારી પાસે મેકઅપની કોઈ કિટ નહોતી પણ મારી પાસે જે સામગ્રી હતી એનો બખૂબી ઉપયોગ કરતી. એ સાથે મેં ઘરગુથી પાર્લર શરૂ કર્યું હતું. દરમ્યાન, નવી શરૂ થયેલી તારા ચૅનલના બાળકોના કાર્યક્રમ માટે મેકઅપ આર્ટિસ્ટની જરૂર હતી. કોઈએ મારા નામની ભલામણ કરી અને ટીવીની દુનિયામાં મારી એન્ટ્રી થઈ.

આ સમયગાળા દરમ્યાન મલ્લિકા સારાભાઈના માતુશ્રી મૃણાલિની સારાભાઈનો શો ચાલી રહ્યો હતો. એક શો દરમ્યાન તેમનો મેકઅપમેન આવી શકે એમ ન હોવાથી તેમણે મને ઑફર આપી. મેં સ્પષ્ટ વાત કરી કે આવા કામનો મને અનુભવ નથી છતાં તેમણે મને મોકો આપ્યો અને મેં એ પડકાર ઝીલી લીધો. એ સમય એવો હતો કે મારા હસબન્ડ ભણતા હોવાથી ખાસ આવક નહોતી. ટીવી ચૅનલમાં કામ કરવાના જે પૈસા મળતા એમાંથી ઘર ચલાવવાની સાથે મેકઅપનો સામાન ખરીદતી.

નાના કામ ચાલી રહ્યા હતા એ સમયગાળા દરમ્યાન કલ્યાણ આચાર્ય મણિચોક નામની સિરિયલ શરૂ કરી રહ્યા હતા. તેમણે મને મહિને બાર હજાર રૂપિયાના પગારે મેકઅપ આર્ટિસ્ટ તરીકે નિયુક્ત કરી. આ સિરિયલથી મારા નસીબ આડેનું પાંદડું હટી ગયું. દામની સાથે ઇન્ડસ્ટ્રીમાં નામ પણ થવા લાગ્યું. મેકઅપની કોઈ વિધિવત તાલીમ લીધી નહોતી એટલે મેકઅપ અંગેની લેટેસ્ટ જાણકારી મેગેઝિન વાંચી મેળવતી અને એ અખતરા સૌપ્રથમ મારા પર કરતી. મેગેઝિન વાંચીને મેકઅપની અનેક સ્ટાઇલ શીખી. આજે માત્ર ઢોલિવુડના જ નહીં, બૉલિવુડના અરબાઝ ખાન, ગુલશન ગ્રોવર, ફારૂખ શેખ, રાજપાલ યાદવ, ઝરીન ખાન, રાહુલ રૉય જેવા અનેક નામી કલાકારોનો મેકઅપ કરી ચુકી છું.

મેકઅપ આર્ટિસ્ટ તરીકે સૌથી યાદગાર પ્રસંગ અંગે પૂછતા ધનલક્ષ્મીએ જણાવ્યું કે કરિયરની શરૂઆતમાં મારે ગુજરાતીના વિખ્યાત કલાકાર રાગિણી શાહ અને દીપક ઘીવાલાનો મેકઅપ કરવાનો હતો. હું જ્યારે તેમના રૂમ પર ગઈ ત્યારે રાગિણીબહેને તો મેકઅપ કરાવવાની ના પાડી દીધી. તો દીપકસર મેકઅપ કરાવવા બેઠા. હું મેકઅપ કરી રહી હતી ત્યારે રાગિણીજી એકીટશે મારી સામે જોયા કરતા. મનમાં થોડો ડર હતો પણ જેવો દીપકજીનો મેકઅપ પૂરો થયો કે રાગિણીજી આવ્યા ખુરસી પર બેઠા અને કહ્યું ચલ, ફટાફાટ મેકઅપ કરી દે. એ સાથે તેમણે કહ્યું પણ ખરૂ કે અત્યાર સુધી અમે માત્ર મેકઅપ દાદા પાસે જ મેકઅપ કરાવ્યો હતો આજે પહેલીવાર મેકઅપ ‘દાદી’ પાસે કરાવી રહી છું. આટલું ઓછું હોય તેમ અમે સેટ પર પહોંચ્યા ત્યારે યુનિટના તમામ સભ્યો સામે મારાં વખાણ કર્યા હતા. એ ક્ષણ હું ક્યારેય ભૂલી નહીં શકું.

બાવીસ વરસની કારકિર્દી દરમ્યાન દોઢસોથી વધુ સિરિયલ, 500 કરતા વધુ ફૅશન શો, પાંત્રીસેક ગુજરાતી ફિલ્મો ઉપરાંત અનેક થીમબેઝ્ડ મેરેજમાં મેકઅપ કરી ચુકેલાં ધનલક્ષ્મી કહે છે કે મારા કપરા કાળમાં મારા દીકરા ઉપરાંત મનોરંજનની દુનિયાના અનેક લોકોએ સાથ આપ્યો છે જેમની હું આજીવન ઋમી રહીશ.

Exit mobile version