સેલિબ્રિટીના બૉડીગાર્ડ બનવું કોઈ આસાન કામ નથી. તેમના ક્લાયંટને જાહેર કાર્યક્રમમાં ભીડભાડથી બચાવવા, ઉત્સાહી પ્રશંસકોથી દૂર રાખવાથી લઈ ક્યારેક તેમના ડ્રાઇવર બનવા સુધીના કામો કરવા પડે છે. પણ બૉલિવુડમાં એક બૉડીગાર્ડ એવો છે જેની લોકપ્રિયતા એક સેલિબ્રિટીથી ઓછી નથી. એનું નામ છે શેરા. જી, સલમાન ખાનના અંગત બૉડીગાર્ડ તરીકે છેલ્લા 27 વરસથી ફરજ બજાવતો શેરા.
સલમાન ખાનના બૉડીગાર્ડ બનવા અગાઉ શેરાએ ભારતની મુલાકાતે આવનારી હૉલિવુડની સેલિબ્રિટી માઇકલ જેક્સન, વિલ સ્મિથ, પેરિસ હિલ્ટન અને જેકી ચેનને એની સેવા આપી ચુક્યો છે.
સલમાન સાથેની પહેલી મુલાકાત અંગે જણાવતા શેરાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હું હૉલિવુડની મશહૂર ગાયિકા વ્હીગફિલ્ડના શોની સુરક્ષા સંભાળી રહ્યો હતો. જ્યારે બીજી મુલાકાત હૉલિવુડના અભિનેતા કિયાનુ રિવ્સ તેમની ફિલ્મ સ્પીડ રિલીઝ થઈ ત્યારે ભારત આવ્યા હતા. તો સલમાન સાથેનો મારો પહેલો શો ચંડીગઢમાં કર્યો હતો અને ત્યારથી હું તેમની સાથે છું.
એક અંગ્રેજી અખબારમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ સલમાન ખાન એના પર્સનલ બૉડીગાર્ડ તરીકે લગભગ 15 લાખ રૂપિયા દર મહિને ચુકવે છે. દેશના અનેક સીઇઓ કરતા શેરાનો પગાર વધુ હોઈ શકે છે. જોકે શેરા માત્ર સલમાનનો બૉડીગાર્ડ જ નથી, એની પોતાની માલિકીની ટાઇગર સિક્યોરિટી એજન્સી છે જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને સેવા પૂરી પાડે છે. સોશિયલ મીડિયા પર પણ શેરા સેલિબ્રિટીઝ જેટલા ફૅન ફોલોઅર્સ ધરાવે છે.
શેરાના જીવનમાં સલમાન ખાનનું સ્થાન અદકેરૂં છે. એક ઇન્ટરવ્યુમાં શેરાએ કહ્યુ હતું કે સલમાન મારા માટે સર્વસ્વ છે. હું તેમના માટે જીવ આપતા પણ અચકાઇશ નહીં, એ મારા ભગવાન છે. એ સાથે ઉમેર્યું હતું કે હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી ભાઈ સાથે રહીશ. તો સામે પક્ષે સલમાન પણ શેરાને એના પરિવારના સભ્ય જેવો ગણે છે.
સુલતાનના સેટ પર સલમાન ખાન સાથે શેરાનો પુત્ર ટાઇગર
તાજેતરમાં એક વેબસાઇટને આપેલી મુલાકાતમાં શેરાએ જણાવ્યું હતું કે, સલમાન મારા પુત્ર ટાઇગરને લૉન્ચ કરવા માગે છે. અત્યારે એ તાલિમ લઈ રહ્યો છે. ઘણા નિર્માતા-દિગ્દર્શકો એને લેવા ઉત્સુક છે. પણ હું યોગ્ય સ્ક્રિપ્ટની રાહ જોઈ રહ્યો છું. ટાઇગરે સલમાન ખાનની ફિલ્મ સુલતાનમાં આસિસ્ટંટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે.