લતા મંગેશકર : સંગીતની દુનિયાના એક યુગનો અંત

ભારત રત્ન લતા મંગેશકરને પૂરા રાજકીય સન્માન સાથે શિવાજી પાર્ક મેદાન ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં અંતિમ સંસ્કાર

લતા મંગેશકરને પૂરા રાજકીય સન્માન સાથે શિવાજી પાર્ક મેદાન ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં અંતિમ સંસ્કાર

1962ના ચીન સાથેના યુદ્ધ બાદ ભારતીય જવાનોની વીરગતિને યાદ કરી અય મેરે વતન કે લોગોં કવિ પ્રદીપે લખ્યું હતું જે સાંભળી તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ પણ રડી પડ્યા હતા. વિધિની વક્રતા જુઓ કે આ ગીત ગાનાર લતા મંગેશકર કવિ પ્રદીપની જન્મજયંતિએ જ તેઓ અનંત યાત્રાએ ઉપડી ગયાં.

સરસ્વતિ માતાની ઉપાસનાના વસંત પંચમીના દિવસે જાણે મા સરસ્વતિની પૂજા અર્ચના કરીને સરસ્વતિ પુત્રી લતા મંગેશકર માતાજીના ચરણોમાં સમાઈ ગયાં.

છેલ્લા થોડા સમયથી કોરોનાને કારણે બ્રીચ કૅન્ડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમને ન્યુમોનિયા થયો હોવાનું પણ ડૉક્ટરોએ જણાવ્યું હતું. જોકે કોરોનાને કારણે લતા મંગેશકરનું રવિવારે નિધન થયું હતું.

ભારત રત્ન લતા મંગેશકરને પૂરા રાજકીય સન્માન સાથે શિવાજી પાર્ક મેદાન ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અગાઉ શિવાજી પાર્ક સ્મશાન ગૃહમાં અંતિમ વિધિ કરવાનું નક્કી કરાયું હતું પરંતુ લોકોની ભારે ભીડ થઈ શકે એમ હોવાથી છેલ્લી ઘડીએ શિવાજી પાર્ક ખાતેજ અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો હતો. આ અગાઉ શિવસેનાના સુપ્રીમો બાળા સાહેબ ઠાકરેને દસેક વરસ પહેલા શિવાજી પાર્ક ખાતે અગ્નિદાહ અપાયો હતો. વિશ્વને ઘેલું કરનાર લતા મંગેશકર જે સ્થાને પહોંચ્યા અને એ માટે કરેલો સંઘર્ષ તેમની ખ્યાતિ-ગાયકી પાછળ ઢંકાઈ ગઈ હતી.

આજની પેઢીને કદાચ ખ્યાલ નહીં હોય પણ લતા મંગેશકરે માત્ર 13 વરસનાં હતાં ત્યારે તેમના પિતાની છત્રછાયા ગુમાવી. લતાના માથે ચાર નાના ભાઈભાંડુની જવાબદારી આવી પડી. લતા મંગેશકરની પિતા દીનાનાથ મંગેશકર જાણીતા ગાયક-અભિનેતા હતા.  લતા પણ તમના પિતાના નાટકોમાં અભિનય કરતાં. પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ લતાએ ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. જોકે તેમનો પહેલો પ્રેમ ગાયકી હોવાથી એ દિશામાં સ્ટ્રગલ કરી રહ્યાં હતાં. તેમને પહેલો મોકો 1942માં મરાઠી ફિલ્મ કિતી હસાલમાં ગાવાનો મોકો મળ્યો. તો મંગળાગૌરી ફિલ્મમાં અભિનય કર્યો હતો. જોકે અઠારમા વરસે સંગીતકાર માસ્ટર ગુલામ હૈદરે મજબૂર ફિલ્મનું ઇંગ્લિશ છોરા ચલા ગયા ગાવા મળ્યું. બૉલિવુડમાં તેમને પ્રસિદ્ધિ મળી મહલ ફિલ્મના આયેગા આનેવાલા ગીતથી. ત્યાર બાદ લતાએ કદી પાછું વળીને જોયું નથી. જોકે એ સમયે લતાને ગીત ગાવા માટે જે માનધન મળ્યું એ હતું 25 રૂપિયા.

પચીસ રૂપિયાના માનધન સાથે શરૂ કર્યા બાદ સમગ્ર કરિયર દરમિયાન તેમણે જે પ્રેમ-માનપાન-કીર્તિ મેળવ્યા તેની સામે તેમણે કરેલી કરોડો રૂપિયાની કમાણીની કોઈ વિસાત નથી.

28 સપ્ટેમ્બર, 1929ના દિવસે મરાઠી પિતા દીનાનાથ મંગેશકર અને ગુજરાતી માતા શેવંતીને ત્યાં જન્મેલી લતા મંગેશકરે એના અવાજથી સમગ્ર દુનિયામાં એક આગવી ઓળખ બનાવી. લગભગ 60 વરસની કારકિર્દી દરમિયાન લતાએ વિવિધ ભાષાના ત્રીસ હજાર કરતા વધુ ગીતો ગાયાં હતાં.

લતા મંગેશકરને મળેલા માન અકરામની જાણકારી તો લગભગ દરેકને હશે. પણ અહીં લતા વિશેની થોડી અજાણી વાતો વિશે વાત કરીએ.

લતા મંગેશકરના અવસાનની જાણ થતાં અમદાવાદના જાણીતા પેઈન્ટર એજાજ સૈયદે દીદીને શ્રધ્ધાંજલિ અર્પતા તેમના પેઇન્ટિંગ ખાસ ફિલ્મી એકશન માટે મોકલ્યા હતા જે લેખ સાથે પ્રસિદ્ધ કર્યા છે. ખૂબ ખૂબ આભાર એજાજ સાહેબ.

Exit mobile version