લતા મંગેશકરને પૂરા રાજકીય સન્માન સાથે શિવાજી પાર્ક મેદાન ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં અંતિમ સંસ્કાર
1962ના ચીન સાથેના યુદ્ધ બાદ ભારતીય જવાનોની વીરગતિને યાદ કરી અય મેરે વતન કે લોગોં કવિ પ્રદીપે લખ્યું હતું જે સાંભળી તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ પણ રડી પડ્યા હતા. વિધિની વક્રતા જુઓ કે આ ગીત ગાનાર લતા મંગેશકર કવિ પ્રદીપની જન્મજયંતિએ જ તેઓ અનંત યાત્રાએ ઉપડી ગયાં.
સરસ્વતિ માતાની ઉપાસનાના વસંત પંચમીના દિવસે જાણે મા સરસ્વતિની પૂજા અર્ચના કરીને સરસ્વતિ પુત્રી લતા મંગેશકર માતાજીના ચરણોમાં સમાઈ ગયાં.
છેલ્લા થોડા સમયથી કોરોનાને કારણે બ્રીચ કૅન્ડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમને ન્યુમોનિયા થયો હોવાનું પણ ડૉક્ટરોએ જણાવ્યું હતું. જોકે કોરોનાને કારણે લતા મંગેશકરનું રવિવારે નિધન થયું હતું.
ભારત રત્ન લતા મંગેશકરને પૂરા રાજકીય સન્માન સાથે શિવાજી પાર્ક મેદાન ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અગાઉ શિવાજી પાર્ક સ્મશાન ગૃહમાં અંતિમ વિધિ કરવાનું નક્કી કરાયું હતું પરંતુ લોકોની ભારે ભીડ થઈ શકે એમ હોવાથી છેલ્લી ઘડીએ શિવાજી પાર્ક ખાતેજ અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો હતો. આ અગાઉ શિવસેનાના સુપ્રીમો બાળા સાહેબ ઠાકરેને દસેક વરસ પહેલા શિવાજી પાર્ક ખાતે અગ્નિદાહ અપાયો હતો. વિશ્વને ઘેલું કરનાર લતા મંગેશકર જે સ્થાને પહોંચ્યા અને એ માટે કરેલો સંઘર્ષ તેમની ખ્યાતિ-ગાયકી પાછળ ઢંકાઈ ગઈ હતી.
આજની પેઢીને કદાચ ખ્યાલ નહીં હોય પણ લતા મંગેશકરે માત્ર 13 વરસનાં હતાં ત્યારે તેમના પિતાની છત્રછાયા ગુમાવી. લતાના માથે ચાર નાના ભાઈભાંડુની જવાબદારી આવી પડી. લતા મંગેશકરની પિતા દીનાનાથ મંગેશકર જાણીતા ગાયક-અભિનેતા હતા. લતા પણ તમના પિતાના નાટકોમાં અભિનય કરતાં. પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ લતાએ ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. જોકે તેમનો પહેલો પ્રેમ ગાયકી હોવાથી એ દિશામાં સ્ટ્રગલ કરી રહ્યાં હતાં. તેમને પહેલો મોકો 1942માં મરાઠી ફિલ્મ કિતી હસાલમાં ગાવાનો મોકો મળ્યો. તો મંગળાગૌરી ફિલ્મમાં અભિનય કર્યો હતો. જોકે અઠારમા વરસે સંગીતકાર માસ્ટર ગુલામ હૈદરે મજબૂર ફિલ્મનું ઇંગ્લિશ છોરા ચલા ગયા ગાવા મળ્યું. બૉલિવુડમાં તેમને પ્રસિદ્ધિ મળી મહલ ફિલ્મના આયેગા આનેવાલા ગીતથી. ત્યાર બાદ લતાએ કદી પાછું વળીને જોયું નથી. જોકે એ સમયે લતાને ગીત ગાવા માટે જે માનધન મળ્યું એ હતું 25 રૂપિયા.
પચીસ રૂપિયાના માનધન સાથે શરૂ કર્યા બાદ સમગ્ર કરિયર દરમિયાન તેમણે જે પ્રેમ-માનપાન-કીર્તિ મેળવ્યા તેની સામે તેમણે કરેલી કરોડો રૂપિયાની કમાણીની કોઈ વિસાત નથી.
28 સપ્ટેમ્બર, 1929ના દિવસે મરાઠી પિતા દીનાનાથ મંગેશકર અને ગુજરાતી માતા શેવંતીને ત્યાં જન્મેલી લતા મંગેશકરે એના અવાજથી સમગ્ર દુનિયામાં એક આગવી ઓળખ બનાવી. લગભગ 60 વરસની કારકિર્દી દરમિયાન લતાએ વિવિધ ભાષાના ત્રીસ હજાર કરતા વધુ ગીતો ગાયાં હતાં.
લતા મંગેશકરને મળેલા માન અકરામની જાણકારી તો લગભગ દરેકને હશે. પણ અહીં લતા વિશેની થોડી અજાણી વાતો વિશે વાત કરીએ.
- લતા મંગેશકરની માતા શેવંતી દીનાનાથ મંગેશકરનાં બીજા પત્ની હતીં. દીનાનાથના પ્રથમ પત્ની નર્મદા હકીકતમાં લતાના માસી હતીં. લગ્ન બાદ ટૂંકાગાળામાં તેમનું અવસાન થયા બાદ દીનાનાથે શેવંતી સાથે લગ્ન કર્યાં હતાં.
- લતા તેમનાં માતાપિતાનું પહેલું સંતાન હતાં. લતા બાદ મીના, આશા, ઉષા અને હૃદયનાથનો જન્મ થયો. પિતા શાસ્ત્રીય ગાયક હોવાથી તેમનો વારસો સંતાનોને મળ્યો હોવાથી સમગ્ર મંગેશકર પરિવાર સંગીતની ઉપાસના કરી રહ્યો છે.
- હકીકતમાં લતાનું નામ હેમા રાખવામાં આવ્યું હતું. પણ પાછળથી લતા કરાયું. કારણ, પિતાના એક નાટક ભાવ બંધનમાં લતિકાનું પાત્ર ભજવ્યા બાદ નામકરણ લતા કરાયું.
- લતા જન્મજાત ગાયિકા હોવા છતાં તેમણે પિતાના એક નાટકમાં પાંચ વરસની ઉંમરે અભિનય કર્યો હતો.
- લતા મંગેશકરે તેમનો મયુવાનીનો મોટાભાગનો સમય મુંબઈમાં ગાળ્યો છે. પણ તેમનો જન્મ ઇન્દોરમાં થયો હતો અને સોળ વરસ સુધી તેઓ મધ્ય પ્રદેશના ઇન્દોરમાં રહ્યાં હતાં.
- લતા મંગેશકરે તેમનું પહેલું ગીત 1942માં આવેલી મરાઠી ફિલ્મ કીતી હસાલ માટે રેકૉર્ડ કર્યું હતું. પરંતુ એ રિલીઝ જ ન થયું કારણે છેલ્લી ઘડીએ એ ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવ્યું હતું.
- ગાયિકા તરીકે વિખ્યાત લતાએ આનંદધન નામે અમુક મરાઠી ફિલ્મોમાં સંગીત પીરસ્યું હતું.
1962માં ચીન સાથેના યુદ્ધમાં શહીદ થયેલા જવાનોની યાદમાં કવિ પ્રદીપે લખેલું ગીત 27 જાન્યુઆરી, 1963ના દિલ્હીના રામલીલા ખાતે જવાહરલાલ નેહરૂની ઉપસ્થિતિમાં લતા મંગેશકરે ગાયું હતું. આ ગીત સાંભળી જવાહરલાલ નેહરૂ રડી પડ્યા હતા.
- લતા સંગીતકાર ગુલામ હૈદરને તેમના ગૉડફાધર માનતી હતી. કારણ લતાના હિસાબે ગુલામે એની પ્રતિભા પૂરો વિશ્વાસ મુક્યો હતો.
- કોકિલકંઠી ગાયિકા તરીકે વિખ્યાત હોવા છતાં બૉલિવુડના એક સમયના દિગ્ગજ સંગીતકાર ઓ. પી. નૈયરે તેમની પાસે એક પણ ગીત ગવડાવ્યું નહોતું.
- ક્રિકેટનો ગજબનો શોખ હતો. જ્યારે પણ કોઈ મહત્વની મેચ હોય ત્યારે જોવા બેસી જતાં અને ભારતની જીત માટે પ્રાર્થના કરતા. સુનીલ ગાવસ્કર અને સચિન તેંડુલકર સાથે સારા સંબંધો હતા.
- લતા મંગેશકરને ગાડીનો ઘણો શોખ હતો.જ્યારે કાર લેવા જેટલા પૈસા થયાં ત્યારે તેમણે શેવર્લે કાર ખરીદી હતી. જ્યારે લતાને બહેન માનતા યશ ચોપરાએ મર્સિડીઝ કાર ભેટમાં આપી હતી.
- લતા મંગેશકર પહેલી ભારતીય કલાકાર હતી જેને લંડનના પ્રતિષ્ઠિત રોયલ આલ્બર્ટ હૉલમાં કાર્યક્રમ આપ્યો હતો. ૧૯૭૪માં યોજાયેલા કાર્યક્રમમાં લતાએ પાંચ ભાષાના ગીતો ગાયાં. અને અંતમાં અય મેરે વતન કે લોગો ગાયું હતું.
- લતા મંગેશકરે ગુજરાતીમાં પણ અનેક ગીતો ગાયા જે આજે પણ એટલા જ લોકપ્રિય છે.
- લતા મંગેશકરે ભાઈ હૃદયનાથ સાથે મળી હિન્દી ફિલ્મ લેકીનનું નિર્માણ કર્યું હતું જેમાં વિનોદ ખન્ના અને હેમા માલિની મુખ્ય ભૂમિકામાં હતાં.
- લતા મંગેશકરને તેમની કારકિર્દી દરમિયાન ૪ ફિલ્મફેર, ૩ નેશનલ એવોર્ડ, ફિલ્મફેર લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ, દાદા સાહેબ ફાળકે એવોર્ડ, પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ ઉપરાંત ભારતનો સર્વોચ્ચ એવોર્ડ ભારત રત્ન પણ એનાયત થયો છે.
- લતા મંગેશકર ઇન્દોર ખાતે જે મકાનમાં રહેતા હતા ત્યાં હાલ કાપડનો શોરૂમ છે. મકાનના માલિક નીતિન મહેતાને જ્યારે જાણ થઈ કે આ મકાનમાં પહેલાં લતાનો પરિવાર રહેતો હતો ત્યારે તેમણે બજાર કરતા વધુ કિંમત ચૂકવી ખરીદી લીધું. તેમણે મકાનમાં લતાનું એક મ્યુરલ પણ બનાવ્યું છે.
- લતા મંગેશકરના અવસાનના સમાચાર મળતાં પાકિસ્તાનના માહિતી ખાતામાં પ્રધાન ફવાદ ચૌધરીએ ગાયિકાને શ્રધ્ધાંજલિ આપતા કહ્યું કે તેમણે સંગીતની દુનિયા પર દાયકાઓ સુધી રાજ કર્યું હતું.
લતા મંગેશકરના અવસાનની જાણ થતાં અમદાવાદના જાણીતા પેઈન્ટર એજાજ સૈયદે દીદીને શ્રધ્ધાંજલિ અર્પતા તેમના પેઇન્ટિંગ ખાસ ફિલ્મી એકશન માટે મોકલ્યા હતા જે લેખ સાથે પ્રસિદ્ધ કર્યા છે. ખૂબ ખૂબ આભાર એજાજ સાહેબ.