બૉલિવુડના લેટેસ્ટ હાર્ટથ્રોબ ગણાતા કાર્તિક આર્યનની એક સાંધે ત્યાં તેર તૂટે જેવી હાલત છે. શરૂઆત થઈ કરણ જોહરની દોસ્તાના-2થી. કરણે કાર્તિકને દોસ્તાનામાંથી આઉટ કર્યો એ સમાચારની સહી હજી સુકાઈ નહોતી ત્યાં ખબર આવ્યા કે બૉલિવુડના કિંગ ખાનના પ્રોડક્શનની ફિલ્મ ફ્રેડીમાંથી પણ એની હકાલપટ્ટી કરવામાં આવી છે. થોડા દિવસોમાં કાર્તિકના હાથમાંથી બે મોટી ફિલ્મો જતી રહી. આટલું ઓછું હોય તેમ કાર્તિકને ઓર એક મોટો આંચકો લાગ્યો અને ફિલ્મમાંથી હકાલપટ્ટીની હૅટટ્રિકનો રેકૉર્ડ જાણે કાર્તિકના નામે નોંધાઈ ગયો.
કાર્તિક અને આનંદ એલ. રાય સાથે ફિલ્મ બનાવી રહ્યા હોવાની વાત ગયા ફેબ્રુઆરી મહિનામાં જાહેર થઈ હતી. આનંદ એલ. રાયની ઑફિસમાં ઘણીવાર કાર્તિક જોવા મળ્યો હતો.
કાર્તિક દોસ્તાના-2 અને ફ્રેડી ફિલ્મોની સ્ક્રિપ્ટ બદલવાનું કહેતો હોવાથી કરણ જોહર અને શાહરૂખ ખાને કાઢ્યો હોવાનું કહેવાય છે. જોકે આ બંને ફિલ્મ સાઇન કરતી વખતે કાર્તિકે ફિલ્મની સ્ર્ક્રિપ્ટ અંગે કોઈ વાંધો ન હોવાનું જણાવ્યું હતું.