રાહુલ ગાંધી ભલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ દલિત જોવા નહીં મળે એમ કહેતા હોય પણ તેમને કદાચ કોઈએ જાણકારી નહીં આપી હોય કે મનોરંજન જગતમાં જાતિવાદ નહીં પણ પ્રતિભા જોવામાં આવે છે. અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પહેલા દલિત અને એ પણ ગુજરાતથી આવેલા કાનજીભાઈ રાઠોડે પચાસથી વધુ ફિલ્મોનું દિગ્દર્શન કરવાની સાથે અનેક ફિલ્મોમાં અભિનય પણ કરયો હતો.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીની શરૂઆત થઈ ત્યારથી જ એમાં ગુજરાતીઓનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. કાનજીભાઈ પણ ભારતીય ફિલ્મોદ્યોગના પહેલા પ્રોફેશનલ દિગ્દર્શક હતા. કાનજીભાઈ એવા સમયે દિગ્દર્શક બન્યા જ્યારે કેમેરા માલિક વાર્તા પસંદ કરતા, સ્ક્રિપ્ટ પણ લખતા અને તેમના પોતાના બેનર હેઠળ ફિલ્મ શૂટ કરતા.
નરસિંહ મહેતા ફિલ્મમાં ભક્ત નરસિંહની ભૂમિકામા્ં કાનજીભાઈ રાઠોડ
કાનજીભાઈએ તેમની કરિયરની શરૂઆત અમેરિકાથી આવેલા નિર્માતા સુચેત સિંહની ઓરિએન્ટલ કંપનીમાં સ્ટિલ ફોટોગ્રાફરની સાથે એક કલાકાર તરીકે કરી હતી. તેમણે ૧૯૨૦માં આવેલી નરસિંહ મહેતામાં ભક્ત નરસિંહની ભૂમિકા ભજવી હતી. પંદરમી સદીમાં ભક્ત કવિ દલિતોની વસતિમાં જઈ ભજન કીર્તન કરતા હોવાથી તેમને ન્યાત બહાર કરવામાં આવ્યા હતા. તેમની ભૂમિકા એક દલિત ફિલ્મમાં ભજવે એ કેવો યોગાનુયોગ.
જોકે સુચેત સિંહનું અકાળે નિધન થતાં કાનજીભાઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અગ્રણી ફિલ્મ નિર્માતા દ્વારકાદાસ સંપટના પ્રોડક્શન હાઉસ કોહિનૂરમાં જોડાયા. અહીં તેમણે ૧૯૨૧થી ૧૯૨૪ના સમયગાળા દરમિયાન ૩૧ મૂક ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. આ સમયગાળા દરમિયાન તેમણે બનાવેલી ભક્ત વિદૂર (૧૯૨૧) ઘણી ચર્ચામાં આવી. મહાભારતની કથા પર આધારિત ફિલ્મમાં ગાંધીજીના નેતૃત્વ હેઠળ યોજાયેલા અસહકાર આંદોલન અને ખિલાફત આંદોલનને કેન્દ્રમાં રાખવામાં આવ્યું હતું. સંપટે વિદૂરની ભૂમિકા ભજવી હતી પણ તેમણે ગાંધી ટોપી અને ખાદીના ધોતી કુર્તો પહેર્યા હતા. સ્વદેશી ફિલ્મ તરીકે જેનો પ્રચાર કરાયો હતો એ મુંબઈના મેજેસ્ટિક સિનેમામાં ચાર અઠવાડિયા ચાલી હતી. જોકે મદ્રાસ અને કરાચીના સ્થાનિક પ્રશાસને ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો અને એને દેશભરમાં દર્શાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો. ફિલ્મને દર્શાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોય એવી કદાચ આ પહેલી ફિલ્મ હશે.
કાનજીભાઈ રાઠોડે ૧૯૨૪-૨૫ દરમિયાન રાજકોટમાં સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની માટે ફિલ્મો બનાવી. તેમણે માણેકલાલ પટેલની માલિકીની કૃષ્ણા ફિલ્મ માટે ૨૧ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું.
મૂળ નવસારીના પોનસરા ગામના વતની કાનજીભાઈએ તેમની કાબેલિયત વડે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આગવું સ્થાન મેળવ્યું. તેમને ક્યારેય તેમની જાતિને કારણે સહન કરવું પડ્યું હોય એવું જાણવા મળ્યું નથી.