જુગલ હંસરાજની 1996માં આવેલી ફિલ્મ પાપા કહતે હૈની હીરોઇન મયુરી કાંગો યાદ છે? માંજરી આંખોવાળી આ અભિનેત્રીએ પાપા કહતે હૈ બાદ નસીમ, બેતાબી, હોગી પ્યાર કી જીત, બાદલ જેવી ફિલ્મો કરી. જોકે અભિનય ક્ષેત્ર ખાસ ડંકો વાગ્યો નહીં એટલે 2009માં ઇન્ડસ્ટ્રી છોડી દીધી. છેલ્લે એ સૈફ અલી ખાન અને કરીના કપૂર સ્ટારર ફિલ્મ કુર્બાનમાં એક નાનકડી ભૂમિકામાં જોવા મળી હતી. હાલ એ ગૂગલ ઇન્ડિયાની ઇન્ડસ્ટ્રી હેડ તરીકે કામ કરી રહી હોવાનું એક અંગ્રેજી અખબારમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં જણાવાયુ છે.
ઔરંગાબાદ ખાતે સ્કૂલ-કૉલેજનો અભ્યાસ પૂરો કરી મુંબઈ આવેલી મયુરીએ અભિનયને રામ રામ કર્યા બાદ 2003માં એનઆરઆઈ આદિત્ય ઢિલ્લોં સાથે લગ્ન કર્યા. ત્યાર બાદ એ અમેરિકા રહેવા ગઈ. અહીં તેણે ફરી અભ્યાસ શરૂ કર્યો અને માર્કેટિંગ અને ફાઇનાન્સમાં એમબીએ કર્યું. થોડા વરસ મયુરીએ પર્ફોર્મિક્સમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કર્યા બાદ 2019થી ગૂગલ ઇન્ડિયા માટે ઇન્ડસ્ટ્રી હેડ તરીકે કામ શરૂ કર્યું.