૨૯૦ કાર પાર્કિંગની સુવિધા ધરાવતા થિયેટરનું સંચાલન પી વી આર કરશે
હવે ભારતમાં તમારી માનીતી ફિલ્મ રૂફ ટોપ ડ્રાઇવ ઇન થિયેટરમાં જોવાનો લ્હાવો મળશે. રિલાયન્સ આવું થિયેટર બાંદ્રામાં બીકેસી ખાતે આવેલા એના જીઓ વર્લ્ડમાં બનાવ્યું છે જેની શરૂઆત ૫ નવેમ્બરથી થઈ રહી છે. વિશ્વનું આ પહેલું રૂફ ટોપ ઓપન એર થિયેટર હશે જ્યાં દર્શકો તેમની કારમાં બેસીને ફિલ્મ જોવાનો આનંદ માણી શકશે.
કોવિડ મહામારી દરમિયાન સૌથી માઠી અસર થિયેટરના બિઝનેસ પર પડી હતી. હવે આવી મહામારીમાં પણ બિઝનેસમાં અસર ન પહોંચે એ માટે દુનિયાભરમાં ઓપન એર થિયેટરનો કોન્સેપ્ટ અમલમાં મુકાઈ રહ્યો છે.

આ અગાઉ ઓપન એર થિયેટર બન્યા છે પણ ખાસ સફળતા મળી નહોતી. મુંબઈમાં જ બીકેસી ખાતે ડ્રાઇવ ઇન થિયેટર હતું પણ સમયાંતરે બિઝનેસ ન થતાં બંધ કરવું પડ્યું. અમદાવાદ ખાતે પણ ડ્રાઇવ ઈન થિયેટર છે.
જોકે મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રીમિયમ શૉપિંગ મોલમાં આવેલા થિયેટરનું સંચાલન પી વી આર કરશે.
થિયેટરમાં ૨૯૦ કાર ઊભી રહી શકશે. જ્યારે શહેરનો સૌથી મોટો સ્ક્રીન જીઓ વર્લ્ડ સ્ક્રીન ખાતે હશે. ૫ નવેમ્બરથી શરૂ થઈ રહેલા રૂફ ટોપ ઓપન એર થિયેટર માત્ર મુંબઈગરાઓ માટે જ નહીં, તમામ સિને પ્રેમીઓ માટે અનોખો અનુભવ હશે.