સાઇકોલોજિકલ થ્રિલર નાસૂરમાં હિતુ કનોડિયા એક અલગ જ ભૂમિકામાં જોવા મળશે

હર્ષવર્ધનને કોઈ તકલીફ કે સ્પર્ધા ન હોવા છતાં એને લાગે છે કે એના જીવવાનો કોઈ ઉદ્દેશ નથી

ફિલ્મી ઍક્શનમાં અગાઉ અનેકવાર જણાવવામાં આવ્યું છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના યુવા સર્જકો વૈવિધ્યસભર વિષયો પર ફિલ્મ બનાવવાનું સાહસ કરી રહ્યા છે. છેલ્લા દોઢ-બે વરસની ફિલ્મો પર નજર કરીએ તો સામાજિકથી લઈ કૉમેડી, ઐતિહાસિક, હૉરર, થ્રિલર, સામાજિક જેવા અનેક વિષયો પર ફિલ્મો બની છે અન દર્શકોએ આવકારી પણ છે. આગામી 23 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહેલી ફિલ્મ સાઇકોલોજિકલ થ્રિલર છે. જેમાં હિતુ કનોડિયા એક અલગ જ ભૂમિકામાં જોવા મળશે.

મનોજ આહિર દ્વારા સ્ટોરીટેલ ફિલ્મ્સ અને મનોજ આહિર પ્રોડક્શન્સ બેનર હેઠળ નિર્મિત નાસૂરનાં લેખિકા છે કાજલ મહેતા. જ્યારે દિગ્દર્શક છે ઋષિ જોશી. ફિલ્મનું ટીઝર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું જેમાં હર્ષવર્ધન (હિતુ કનોડિયા) જીવનનો અંત લાવવા માટેના પ્રયાસ કરતો જોવા મળે છે. તો ફિલ્મનું પાર્શ્વસંગીત મૃત્યુના ખેલને ઓર ઘેરો બનાવે છે.

નાસૂર યુવાન અને સફળ ઉદ્યોગપતિ હર્ષવર્ધનની વાત છે. પ્રેમાળ પત્ની, ભાઈની સાથે પૈસો – પ્રસિદ્ધિ સહિતની તમામ સુખસાહ્યબી હોવા છતાં હર્ષવર્ધન નાખુશ છે. ધંધામાં પણ કોઈ તકલીફ કે સ્પર્ધા ન હોવા છતાં એને લાગે છે કે એના જીવવાનો કોઈ ઉદ્દેશ નથી. અને એટલા માટે જીવનનો અંત લાવવાનો નિર્ણય લે છે. હર્ષવર્ધન જીવનનો અંત લાવવા માટે અનેક પ્રયાસ કરે છે પણ સફળતા મળતી નથી. દરમિયાન હર્ષવર્ધનની મુલાકાત અમુક લોકો સાથે થાય છે, અને એને થાય છે કે આ લોકો એનું જીવન ટૂંકાવવામાં સહાયરૂપ બની શકે છે.

હર્ષવર્ધન કેમ એનું જીવન ટૂંકાવવા માંગે છે? શું એ કોઈની ચાલમાં ફસાયો છે કે ખતરનાક ખેલ ખેલી રહ્યો છે?

મનોજ આહિર નિર્મિત ગુજરાતી ફિલ્મ નાસૂરમાં હિતુ કનોડિયા ઉપરાંત હીના જયકિશન, ડેનિશા ઘુમરા, હેમિન ત્રિવેદી અને વૈશાખ રતનબેન રાઠોડ મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ નાસૂર 23 ફેબ્રુઆરી, 2024ના રિલીઝ થઈ રહી છે.

Exit mobile version