શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ જલસાઘર અનેક રીતે અનોખી હોવાનું ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હિતેનકુમારનું કહેવું છે. ફિલ્મી ઍક્શન સાથેની વાતચીત દરમ્યાન હિતેનકુમારે જણાવ્યું કે ફિલ્મ કૉ-ઓપરેટિવ સોસાયટીના ધોરણે બનાવવામાં આવી છે. જો આ પ્રયોગ સફળ રહ્યો તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક નવા અધ્યાયની શરૂઆત થઈ શકે છે. ફિલ્મમાં નિર્માતાથી લઈ કલાકાર અને ટેક્નિશિયનોએ પણ પર્સેન્ટેજ પર કામ કર્યું છે.
જેમના જીવનમાં સંધ્યા ટાણે રંગો ખીલવાને બદલે મુરઝાઈ ગયા હોય તેવા વૃદ્ધોની પાછલી જિંદગીમાં ખુશીના રંગો ભરવાનું કામ કરતી એક વ્યક્તિની વાત છે. આકરી ચોટ ખાનાર આ વ્યક્તિના જીવનનો એક જ ઉદ્દેશ છે, વૃદ્ધો તેમની મનપસંદ પ્રવૃત્તિ કરવાની સાથે ખુશહાલ જીવન જીવે એ માટે એણે જલસાઘર બનાવ્યું છે. હિતેન કહે છે કે આજની આ સાંપ્રત સમસ્યાને ફિલ્મમાં અનોખી રીતે દર્શાવવામાં આવી છે. એ સાથે જીવનના ખરી પડાવમાં હતાશ થયા વગર પણ જિંદગી કેવી રીતે જીવી શકાય છે એ વાત આલેખવામાં આવી છે. હિતેન કહે છે કે જલસાઘર એક અલગ કથાનક ધરાવતી અને આબાલવૃદ્ધ સૌને પસંદ પડે એવી ફિલ્મ છે.
લાંબા અરસા બાદ તમારી ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી છે…
જી, હું વૈવિધ્યસભર પાત્રો ભજવવામાં માનું છું. વચ્ચે એવો સમય આવ્યો કે એક સરખી બીબાઢાળ ભૂમિકાની ઑફર આવતી હતી. એટલે મેં બ્રેક લઈ સ્ટેજ કરવાનું નક્કી કર્યું. અત્યારે જે નાટક પપ્પા મારા પ્રાઇમ મિનિસ્ટર ભજવી રહ્યો છું એના આઠ મહિનામાં બસો જેટલા પ્રયોગ થયા છે. હાલ બે-ત્રણ પ્રોજેક્ટ છે જે જૂન-જુલાઈમાં ફ્લોર પર જશે.
તમને નથી લાગતું કે કેરેક્ટર રોલ કરવાનો નિર્ણય વહેલો લીધો ? સાઉથના કલાકાર તો 60-65મા વરસે પણ હીરો તરીકે કામ કરતા હોય છે.
વાત સાચી છે કે સાઉથમાં હીરો માટે વયની કોઈ મર્યાદા નથી. આજે પણ રજનીકાંત કે કમલ હાસન દેવની જેમ પૂજાય છે. પણ આપણી ગુજરાતી ફિલ્મની વાત અલગ છે. હું આજે રોમાન્ટિક સીન ભજવતો હોઇશ તો દર્શકોને એ વાત ગળે નહીં ઉતરે. અને બીજી વાત, એક હીરોના જીવનમાં વયની સાથે આવો તબક્કો આવતો જ હોય છે અને એ માટે કલાકારે માનસિક તૈયારી પણ રાખવી પડે.