હાઇપ્રોફાઇલ ડ્રગ્સ પાર્ટી : શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની પૂછપરછ, મોબાઇલ પણ જપ્ત

પાર્ટીમાં બૉલિવુડ-ફૅશન બિઝનેસ સાથે સંકળાયેલા લોકો હતા

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ શનિવારે મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રુઝ પર ચાલી રહેલી ડ્રગ્સ પાર્ટીનો ભંડાફોડ કર્યો હતો. સહેલાણી બની ક્રુઝ પર ગયેલા એનસીબીની ટીમે આ છાપો માર્યો હતો. પાર્ટીમાં બૉલિવુડ, ફૅશન અને બિઝનેસ સાથે સંકળાયેલા લોકો સામેલ થયા હતા. આ મામલે એનસીબીએ અત્યાર સુધીમાં આઠ લોકોની ધરપકડ કરી છે.

એનસીબીએ જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે બીજી ઓક્ટોબરે કૉર્ડેલિયા ક્રુઝ પર દરોડો પાડવામાં આવ્યો હતો અને ત્યાં ઉપસ્થિત તમામ લોકોની તલાશી લેવામાં આવી હતી. જેમાં એનસીબીએ એમજીએમએ, કોકેન, એમડી અને ચરસ જપ્ત કર્યું હતું. આ મામલે આઠ લોકોની ધરપકડ કરાઈ છે જેમાં બે મહિલા પણ સામેલ છે. એનસીબીએ કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જે આઠ જણની ધરપકડ કરવામાં આવી છે એમાં આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચા, મૂપુર સારિકા, ઇસમીત સિંહ, મોહક જસવાલ, વિક્રાંત છોકર અને ગોમિત ચોપરાનો સમાવેશ થાય છે.

આ મામલે એનસીબી શાહરુખ ખાનના દીકરા આર્યનની પણ પૂછપરછ કરી રહી છે. એનસીબીને ક્રુઝમાં ચાલી રહેલી પાર્ટીનો વિડિયો મળ્યો છે જેમાં આર્યન પણ દેખાય છે. પૂછપરછમાં આર્યને જણાવ્યું કે એને પાર્ટીમાં ગેસ્ટ તરીકે બોલાવાયો હતો. એણે પાર્ટીમાં સામેલ થવા કોઈ પૈસા આપ્યા નહોતા. આર્યને દાવો કર્યો કે ઓર્ગેનાઇઝરે એના નામનો ઉપયોગ કરી લોકોને પાર્ટાંમાં બોલાવ્યા હતા. એનસીબીએ આર્યનનો મોબાઇલ ફોન જપ્ત કર્યો છે અને એણે કરેલી ચેટ્સ તપાસી રહી છે. સૂત્રના જણાવ્યા મુજબ આર્યનને અરબાઝ મર્ચન્ટ પાર્ટીમાં લઈ ગયો હતો.

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના સૂત્રએ જણાવ્યું કે ક્રુઝ પર ડ્રગ્સને છુપાવીને લઈ જવાયું હતું. કોઈએ પેન્ટની સિલાઈમાં ડ્રગ્સ છુપાવ્યું હતું તો કોઈએ કૉલરમાં. મહિલાઓ પર્સના હેન્લમાં ડ્રગ્સ સંતાડીને લઈ ગઈ હતી. તો અમુક લોકોના અંડરવેરમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું.

Exit mobile version