કાશ્મીમાં થયેલા આતંકવાદી હુમલામાં બે વ્યક્તિનામોત… દિલ્હીમાં સામુહિક બળાત્કાર… સગા દીકરાએ મા-બાપને ઘરમાંથી કાઢી મુક્યા… જેવા ન્યુઝ રોજેરોજ છાપામાં કે ટીવી ચૅનલો પર વાચવા-જોવા મળે છે. માનવજાતમાં રહેલી લાગણીઓ-માનવતાની ભાવના ધીમે ધીમે ઓછી થઈ રહી છે એવો પ્રશ્ન ઘણાને થતો હશે. એ સાથે અત્યારે આવી પરિસ્થિતિ છે તો ભવિષ્યમાં એ ક્યાં જઈને પહોંચશે એની ચિંતાઓ પણ કોરી ખાતી હશે.

સામાન્ય માનવીની ચિંતાને વાચા આપતી અને એ માટે શું કરી શકાય એની જાણકારી આપતી ફિલ્મ સગપણનું નિર્માણ વડોદરાના શનાભાઈ પટેલે કર્યું છે. આજની પરિસ્થિતિથી ચિંતિત નેવું વરસના શનાભાઈએ સગપણ ફિલ્મ થકી એક નવી રાહ બતાવવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મના લેખક-દિગ્દર્શક સ્નેહલ શાહે ફિલ્મી ઍક્શનને જણાવ્યું કે, આપણા વેદ-પુરાણમાં ઉલ્લેખ છે કે બાળકોમાં સંસ્કારનું સીંચન ગર્ભાવસ્થાથી જ થતું હોય છે. વૈદિકવિજ્ઞાનના સોળ સંસ્કારમાંનો એક સંસ્કાર છે ગર્ભસંસ્કાર. આ વાત કેન્દ્રમાં રાખી ફિલ્મની વાર્તા લખી છે. અનેક પ્રયાસો છતાં સમાજમાં બદીઓ વધતી જાય છે અને એ દૂર કરવા જરૂરી છે આપણા વેદપુરાણોમાં સૂચવાયેલા ગર્ભસંસ્કારની.

ફિલ્મમાં પણ એક એવા પરિવારની વાત આલેખવામાં આવી છે જેમાં બે ભાઈઓમાંથી એક સંસ્કારી છે જ્યારે નાના ભાઈને ખોટા કામો કરવામાં કોઈ સંકોચ નથી. એક જ પરિવારમાંરહેતા અને ઉછરેલા બે સગા ભાઈઓમાં આવો વિરોધાભાસ કેમ છે? એનું કારણ શું? અને શું કરવાથી સમાજમાં ધર્મ-નીતિમત્તા અને અચ્છે દિન આવશે એની વાત ફિલ્મમાં દર્શાવવામાં આવી છે.

ફિલ્મનાં સંગીત વિશે જણાવતા સ્નેહલ કહે છે કે, તમને નવાઈ લાગશે કે આજના વેસ્ટર્ન મ્યુઝિકના જમાનામાં અમે શુદ્ધ શાસ્ત્રીય સંગીત પર આધારિત પાંચ ગીતોની રચના કરી છે. સ્નેહલ શાહનાં ગીતોને સ્વરબદ્ધ કર્યા છે પિયુષ કહારે. કેતન પટેલ, જયદિપ સોલંકી, યુકેસ્થિત ગાયિકા વંદના સોમૈયા અને ગિરિરાજ ભોજકે ગાયેલાં ગીતો રાગ ભૈરવી, શિવરંજની, બૈરાગી અને મધુમતિ પર આધારિત છે.

એબે ગ્રુપ પ્રડક્શન બેનર હેઠળ શનાભાઈ પટેલ દ્વારા નિર્મિત, સ્નેહલ શાહ લિખિત દિગ્દર્શિત સગપણના મુખ્ય કલાકારો છે શશી પારેખ, હસમુખ ભાવસાર, આરતી, ગોપી આહિર, સમીર પંચોલી, દેવાંગ રાવલ, વસંત પટેલ, હિતેશ શાહ, અંજના પટેલ અને બાળ કલાકાર હૅરી પટેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here