તાજેતરમાં જાણવા મળ્યું કે પરાક્રમ સિંહ ગોહિલ ઋજુ હૃદયના કવિ સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલની જીવની પર આધારિત ફિલ્મ બનાવી રહ્યા છે. સૂરસિંહજી એટલે લાઠીના રાજપરિવારના કવિ કલાપી. માત્ર 26 વરસની વયે ફાની દુનિયા છોડી ગયેલા કલાપીનું મૃત્યું પણ રહસ્યમય છે. બે રાજકુંવરી સાથેનાં લગ્ન ઉપરાંત મહેલમાં કામ કરતી યુવતી સાથેનો પ્રેમ સંબંધ.
કલાપી પર ફિલ્મ બનાવી રહેલા સર્જકોનું કહેવું છે કે તેમણે સૂરસિંહજીના જીવન પર ગહન સંશોધન કરી ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરી છે. ફિલ્મમાં કલાપીના જીવનની એવી બાજુ રજૂ કરવામાં આવશે જેની જાણકારી ભાગ્યે જ કોઈને હશે. ફિલ્મના કલાકારોની પસંદગી ટૂંક સમયમાં શરૂ કરાશે એમ સૂત્રએ ફિલ્મી ઍક્શનને જણાવ્યું હતું.
કલાપીના પંદર વર્ષની વયે બે રાજકુંવરી સાથે લગ્ન થયા હતા. જેમાં કચ્છ-રોહાના રાજબા-રમાબા અને કોટડા-સૌરાષ્ટ્રનાં કેસરબા-આનંદીબા. આમ છતાં સૂરસિંહજી વીસ વરસના હતા ત્યારે તેમને ત્યાં કામ કરતી શોભનાના પ્રેમમાં પડ્યા. આ પ્રેમ સંબંધને કારણે રાજબા-રમાબા વચ્ચે ભારે વિખવાદ સર્જાયો અને એવું કહેવાય છે કે એને કારણે તેમને ઝેર આપવામાં અપાતા મૃત્યુ થયું હતું.
કલાપીએ આટલા ટૂંકા ગાળામાં અઢીસોથી વધુ કવિતાઓ લખી હતી. ઉપરાંત તેમના મિત્રો અને પત્નીઓને સંખ્યાબંધ ગદ્ય લખાણો અને 900થી વધુ પત્રો લખ્યા હતા. તેમણે માત્ર કવિતાઓ જ નહોતી લખી પણ ચાર અંગ્રેજી નવલકથાનો પણ ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો.
ફિલ્મોના શોખીનોને યાદ હશે જ કે 1966માં મનહર રસકપૂરના દિગ્દર્શમાં બનેલી કલાપી રિલીઝ થઈ હતી. ફિલ્મમાં કલાપીની ભૂમિકા સંજીવ કુમારે ભજવી હતી. ફિલ્મમાં અવિનાશ વ્યાસે કલાપીની ચાર રચનાઓ ગુનેગારી હમારી છે, જ્યાં જ્યાં નજર મારી ઠરે, પેદા થયો છું ઢૂંઢવા અને સ્મશાનો ઢૂંઢનારો સ્વરબદ્ધ કરી હતી. તમામ ગીતો મહેન્દ્ર કપૂરના અવાજમાં છે તો ગુનેગારી હમારી છેમાં કૃષ્ણા કલ્લેએ પણ અવાજ આપ્યો છે.
સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ જાણકારી મુજબ ફિલ્મના મુખ્ય કલાકારોમાં કલાપી તરીકે સંજીવ કુમાર, પદ્મારાણી, અરુણા ઈરાની, વિષ્ણુકુમાર વ્યાસ, પી. ખરસાણી, પ્રતાપ ઓઝા, નંદિની દેસાઈ, નારાયણ રાજગોર, દિનેશકુમાર, ડી.એસ. મહેતા, અશોક ઠક્કર, પ્રેમશંકર ભટ્ટ, અજિત સોની, નૂતન, મનોજ પુરોહિત, જયંત વ્યાસ, મિસ જયશ્રી હતાં.
આ ફિલ્મને ગુજરાત સરકારના બાર અવૉર્ડ મળ્યા હતા. એ સમયે ગુજરાતી ફિલ્મોને અત્યારે મળે છે એવો કરમુક્તિનો લાભ મળતો નહોતો. પરંતુ તત્કાલીન મુખ્ય પ્રધાન હિતેન્દ્ર દેસાઈએ ફિલ્મને અપવાદરૂપ ગણાવી ખાસ ટેક્સ ફ્રી ઘોષિત કરી હતી.