પ્રીમિયરમાં ફિલ્મના કલાકારોનું રીયુનિયન
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આજકાલ બોક્સ ઓફિસના આંકડાની સાથે ફિલ્મની રી-રિલીઝ માટે ચર્ચામાં છે. લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે સો કરોડની ક્લબમાં એન્ટ્રી કરનાર પહેલી ફિલ્મ બનવાને કારણે ગાજી રહી છે. તો શુક્રવારે ૨૭ વરસ પહેલાં ટિકિટબારી પર ટંકશાળ વરસાવનાર દેશ રે જોયા દાદા પરદેશ જોયાના રી-રિલીઝન ન્યૂઝ સમાચારોની હેડલાઇન્સ બન્યાં છે.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ ગોવિંદભાઈ પટેલ નિર્મિત અને દિગ્દર્શિત ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશ જોયાએ ઢોલીવુડનું જ નહીં એના કલાકારોનું પણ તકદીર બદલી નાખ્યું. હીરો તરીકેની આ પહેલી જ ફિલ્મે હિતેન કુમારને સુપર સ્ટાર બનાવી દીધો. તો રોમા માણેકે સ્નેહલતા બાદ વરસો સુધી ગુજરાતી ફિલ્મોના ચાહકો પર રાજ કર્યું.

હિતેન કુમાર માટેતો આજનો દિવસ ખાસ એટલા માટે હતો કે બે મહિનામાં એની બીજી ફિલ્મ ફરી રિલીઝ થઈ. આ અગાઉ રિલીઝ થયાની જ્યુબિલિના અવસરે ફરી રજૂ થયેલી જશુ ગાંગાણીની મહિયારમા મનડું નથી લાગતું ફિલ્મ આજની પેઢીના દર્શકોને આકર્ષવામાં સફળ રહી. રી-રિલીઝના અવસરે હિતેને કહ્યું કે, વરસો પહેલાં ધૂમ મચાવનાર ફિલ્મો ફરી થિયેટરોમાં રજૂ થશે તો આજની પેઢીને એ સમયના મધુર ગીતોની સાથે બે-ત્રણ દાયકા પહેલાં પણ ગુજરાતીમાં માણવાલાયક ફિલ્મો બનતી હતી એની જાણ થશે.
તો રોમા માણેકે જણાવ્યું કે દેશ રે જોયા દાદા પરદેશ જોયાએ મારી કરિયરને એક નવી દિશા આપી. એ સાથે ઉમેર્યું કે જો મારા લાયક ભૂમિકા હશે તો ચોક્કસ ભજવીશ.
અલ્ટ્રા વીડિયોમાં સહયોગમાં હરેશ પટેલ દ્વારા રી-રિલીઝ થયેલી ફિલ્મ જોવા માટે દર્શકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.









