સર્વશ્રેષ્ઠ સો ફિલ્મોની યાદીમાં સમાવેશ થનાર પહેલી ભારતીય ફિલ્મ બની ગેંગ્સ ઑફ વાસેપુર

અનુરાગ કશ્યપના અંગત વિચારો-માન્યતા સાથે કોઈ સહમત થાય કે નહીં, પણ તેમની ફિલ્મો મનોરંજક અને માણવા લાયક હોય છે એ અંગે કોઈ બેમત નહીં હોય. પણ આ વખતે અનુરાગ કશ્યપે એવું કામ કર્યું છે કે પૂરી દુનિયામાં એમના નામનો ડંકો વાગી ઉઠ્યો. અને એનું કારણ છે તેમની ફિલ્મ ગેંગ્સ ઑફ વાસેપુર. ભારતની આ એક માત્ર ફિલ્મ છે જે બેસ્ટ ૧૦૦ મૂવીઝમાં પસંદગી પામી છે.

ધ ગાર્ડિયનમાં ૨૧મી સદીની સો સૌથી શ્રેષ્ઠ ફિલ્મોની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં એક માત્ર ભારતીય ફિલ્મ ગેંગ્સ ઑફ વાસેપુરનું નામ સામેલ કરાયું છે. અનુરાગ કશ્યપે શનિવારે આ અંગે ઇન્સ્ટાગ્રામ પર જાહેર કર્યું કે આ ઍક્શન ડ્રામા ફિલ્મને ૫૯મું સ્થાન મળ્યું છે.

અનુરાગે વધુમાં લખ્યું કે, આ સ્થાને પહોંચવાનો ગર્વ છે, પરંતુ મારી યાદી આ નહીં હોય. મારી પસંદગીની એવી અનેક ફિલ્મો છે જે મારી ફિલ્મ કરતા નીચે હોઈ જ ન શકે. ધ ડાર્ક નાઇટને હજુ ઉપરનો ક્રમાંક મળવો જાઇતો હતો.

ગેંગ્સ ઑફ વાસેપુર સિરીઝની ફિલ્મો ૨૦૧૨માં રિલીઝ થઈ હતી. એ ઝારખંડના ધાનબાદ જિલ્લાના વાસેપુર શહેરમાં રહેતા કોયલા માફિયાના પરિવારની વાત આલેખે છે. બંને ફિલ્મો દર્શકોને ઘણી પસંદ પડી હતી અને બૉક્સ ઑફિસ પર પણ કમાણી કરી હતી. ફિલ્મમાં મનોજ બાજપેયી, નવાઝુદ્દીન સિદ્દીકી, પિયુષ મેહરા અને રિચા ચઢ્ઢા જેવા અનેક કલાકારો છે.

Exit mobile version