એકતા જૈનના ફેસબુક પર થયાં એક મિલિયન ફોલોઅર્સ, સાડી અને ૧૦૦ દીવા સાથે દિવાળી સિકવન્સનું કર્યું શૂટિંગ
જાણીતી અભિનેત્રી એકતા જૈન માટે આ વરસની દિવાળી સફળતાનું એક નવું સોપાન લઈને આવી છે. ફેસબુક પર એના ફોલોઅર્સની સંખ્યા એક મિલિયનથી વધુ થઈ છે. એની ખુશાલીમાં એકતાએ મુંબઈના એક સ્ટુડિયોમાં સ્પેશિયલ સાડીમાં સો દીવા અને કંદિલ સાથે દિવાળી સિકવન્સનું શૂટ કર્યું હતું.
ફોટો શૂટ દરમિયાન ખુશખુશાલ એકતાએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે, ફેસબુક પેજ પર મારા એક મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે અને એ માટે હું તમામ ચાહકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. દિવાળીના પાવન અવસરે આનાથી અણમોલ ભેટ બીજી કઈ હોઈ શકે. હું ખુશ છું કે દસ લાખ લોકોનો પ્રેમ મને મળી રહ્યો છે. મારી આ જર્ની મુશ્કેલ નહોતી તો એકદમ સરળ પણ નહોતી. હું મારા એક મિલિયન ચાહકોનું ભવિષ્યમાં પણ આ રીતે જ મનોરંજન કરતી રહીશ.
મારા ચાહકોને આ અવસરે હું એટલું જ કહીશ કે આપ સર્વે મને આ રીતે જ ફોલો કરતાં રહેજો, કૉમેન્ટ કરતા રહેજો. સાથે મારી પણ જવાબદારી બને છે કે હું તેમને સારી અને મનોરંજક વસ્તુ પીરસતી રહું. હું હંમેશા પોઝિટિવિટી સાથે સામાજિક સંદેશ આપવાની કોશિશ કરતી રહું છું. મેં ક્યારેય નેગેટિવ વાતો કરી નથી. મારો એક જ ઉદ્દેશ છે કે મારા ચાહકો કોઈ પણ પરિસ્થિતિનો હસતાં હસતાં મુકાબલો કરે. એ સાથે કોઈનું દિલ દુભાય એનું પણ ખાસ ધ્યાન રાખતી હોઉં છું.
કોરોના કાળ બાદ દિવાળી પહેલો તહેવાર છે જેને લોકો હર્ષોલ્લાસ સાથે મનાવી રહ્યા છે. આપણી ગાડી ફરી પાટે ચડી રહી છે ત્યારે ઉજશના આ પર્વની ઉજવણી કોરોના અંગેના તમામ નિયમોના પાલન સાથે કરે એવી નમ્ર વિનંતી.
એ સાથે મારા ચાહકો અને તમામ વાચકોને દિવાળીની સાથે નવા વરસની હાર્દિક શુભેચ્છાઓ.