હિન્દી ફિલ્મોના સુપરસ્ટાર રહી ચુકેલા ધર્મેન્દ્ર આજકાલ તેમના પૌત્ર કરણની ફિલ્મ પ્રમોટ કરવામાં વ્યસ્ત છે. કરણની બૉલિવુડમાં ધમાકેદાર એન્ટ્રી થાય એ માટે પિતા-પુત્ર ધર્મેન્દ્ર અને સની દેઓલ દિવસ-રાત એક કરી રહ્યા છે. આના અનુસંધાનમાં ધર્મેન્દ્ર સની દેઓલ સાથે રિયાલિટી શો સુપરસ્ટાર સિંગિગમાં ગયા હતા. શોમાં ધર્મેન્દ્રને એક ખાસ વિડિયો દર્શાવવામાં આવ્યો જેને જોઈ તેમની આંખોમાંથી આસું વહેવા લાગ્યા.
હકીકતમાં ધર્મેન્દ્રને ટ્રિબ્યુટ આપવા તેમના બાળપણનો એક વિડિયો દર્શાવવામાં આવ્યો હતો. વિડિયોની શરૂઆતમાં જ એન્કરે જણાવ્યું કે, ધર્મેન્દ્રજી અમે આપને કંઇક બતાવવા માંગીએ છીએ. અને એ સાથે સ્ક્રીન પર એક ગામનો ફોટો આવે છે જેનું નામ છે સાનેહ વાલ. લુધિયાણાથી ૧૦ કિલોમીટર દૂર આવેલા આ ગામમાં ધર્મેન્દ્રએ તેમનું બાળપણ વીતાવ્યું હતું. વિડિયોમાં બાળપણની સ્કૂલ, રેલવે સ્ટેશન, મીઠાઈની દુકાન જાઈ ધર્મેન્દ્રની નજર સમક્ષ વીતેલા બાળપણની યાદો તાજી થઈ ગઈ.
ધર્મેન્દ્રના ગામવાસીઓએ જણાવ્યું કે ધરમ પાજીને જાણ થાય કે કોઈ એના ગામનું છે તો એમની મદદ કરતા. અમને જણાવતા અભિમાન થાય છે કે જે સ્કૂલમાં અમે ભણ્યા એના ધર્મેન્દ્રજી વિદ્યાર્થી રહ્યા છે. એ સ્કૂલના એક ટીચરે વિડિયોમાં જણાવ્યું કે મને એ પુલ યાદ છે જ્યાં ધર્મેન્દ્ર સપનું જોતા હતા. તેઓ હંમેશ પૂલ પર બેસી સામેથી પસાર થતી ટ્રેનને જાઈ કહેતા જો જો એક દિવસ હું આ ટ્રેનમાં બેસી મુંબઈ જઇશ અને હીરો બનીશ. ધર્મેન્દ્ર પાજીએ તેમનું સપનું સાકાર કર્યું. બસ, અમે એટલું ઇચ્છીએ છીએ કે તેઓ સમય કાઢી એક વાર સાનેહ વાલ આવે. તેમની સ્કૂલ, એ પુલ જુએ જ્યો તેઓ મિત્ર સાથે મસ્તી કરતા હતા.
વિડિયો પૂરો થતાં જ ધર્મેન્દ્રએ કહ્યું, અરે આ શું બતાવ્યું. હા, આ એ એજ પુલ હતો જ્યાં હું સપના જોતો હતો. હું જ્યારે હીરો બન્યો ત્યારે એ પુલ પાસે પણ ગયો હતો, એ જણાવવા કે જુઓ મારૂં સપનું પૂરૂં થયું, તેરા ધર્મેન્દ્ર હીરો બન ગયા. આટલું બોલતા ધર્મેન્દ્રની આંખો ભરાઈ આવી.