ભારતમાં પહેલીવાર બે દિગ્ગજ ઓટીટી પ્લેટફોર્મ એમએક્સ પ્લેયર અને અલ્ટ બાલાજી સૌથી મોટા અને નીડર રિયાલિયી શો લૉક અપ : બદમાશ જેલ, અત્યાચારી ખેલ લઈને આવી રહ્યા છે. એકતા કપૂર દ્વારા નિર્મિત આ રિયાલિટી શોનો ચહેરો હશે કંગના રનૌત. મુંબઈના જુહૂ વિસ્તારમાં આવેલી ફાઇવસ્ટાર હોટેલમાં આયોજિત કાર્યક્રમમાં શો લૉન્ચ કરાયો હતો.
લૉક અપ : બદમાશ જેલ, અત્યાચારી ખેલમાં 16 વિવાદાસ્પદ હસ્તીઓને મહિનાઓ સુધી લૉક અપમાં રખાશે જ્યાં તેમની પાસેથી તમામ સુવિધાઓ લઈ લેવાશે. એવું કહેવાય છે કે પહેલા ક્યારેય દર્શાવાયો નહીં હોય એવો કન્સેપ્ટ હશે. એકતા કપૂરે આ અંગે જણાવ્યું કે શો પૂર્ણપણે હૉમમેડ છે અને આ કન્સેપ્ટ માટે બે સ્થાનિક યુવાનોએ એનો સંપર્ક કર્યો હતો. અમને એમનો આઇડિયા ઘણો પસંદ પડ્યો કારણ, દેશમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં પહેલા ક્યારેય બન્યું નથી. એ સાથે આ શોમાં બૉલિવુડની ક્વીન કંગના રનૌત એક તેજતર્રાર હૉસ્ટ તરીકે જોવા મળશે.
દરમિયાન, શો લૉન્ચ થઈ રહ્યો હતો ત્યારે કંગના માઇક સાથે સ્ટેજ પર આવી પંગો લેવાનું શરૂ કરી દીધું. કંગના સ્ટેજ પર આવીને કહેવા લાગી, તમે લૉક અપ માટે તૈયાર છો, પણ આ તમારા ભાઈનું ઘર નથી. આ મારી જેલ છે અને અહીં થશે અત્યાચારનો ખેલ. શું તમે તૈયાર છો? એવું ચર્ચાઈ રહ્યું છે કે કંગનાએ ભાઈ શબ્દનો પ્રયોગ કરી સલમાન ખાન પર નિશાન સાધ્યું છે કારણ બિગ બૉસ સલમાન ખાન હૉસ્ટ કરી રહ્યો છે અને એ ભાઈ તરીકે પણ વિખ્યાત છે.
લૉક અપમાં 16 પ્રતિસ્પર્ધીઓને બે જેલમાં 72 દિવસ પૂરી દેવામાં આવશે. તેમને દૈનિક જરૂરિયાતની વસ્તુઓથી પણ વેગળા રાખવામાં આવશે. એટલે શોમાં ભાગ લેનાર જીવતા રહેવા માટે કંઈ પણ કરી શકે છે. તેમને છોડવા માટેનો 50 ટકા અધિકાર હૉસ્ટ પાસે હશે તો 50 ટકા અધિકાર દર્શકો હસ્તક રહેશે. એટલે દર્શકો પણ તેના માનીતા કલાકારના ભાગ્યને નક્કી કરી શકશે.
એકતા કપૂરે શો અંગે ખુલાસો કરતા કહ્યું કે આ શોમાં માત્ર સેલિબ્રિટીઝ નજરે પડશે. જોકે નામ જણાવ્યા વિના એકતાએ કહ્યું કે એની હૉસ્ટ કંગના રનૌત દ્વારા તમામ સેલેબ્સની તપાસ કરવામાં આવી છે જેઓ લૉક અપમાં આવવાના છે. એ સાથે એકતાએ કહ્યું કે આ પહેલો ભારતીય શો છે જે પૂર્ણપણે સ્વદેશી છે. ઘણા રિયાલિટી શો વિદેશી ફોર્મેટની કૉપી કરી રહ્યા છે પણ એના શોનો કોઈ પણ કન્ટેન્ટ વિદેશી શોમાંથી લેવાયો નથી. આ પ્રકારનો રિયાલિટી શો પહેલા ક્યારેય દર્શાવાયો નથી અને આ કોઈ રીતે બિગ બૉસને ટક્કર આપતો નથી.
લૉક અપનો પ્રીમિયર ફેબ્રુઆરીના અંતમાં એમએક્સ પ્લેયર અને અલ્ટ બાલાજી પર એક સાથે થશે.